પુલવામા હુમલામાં સામેલ આરોપીનું હાર્ટ એટેકેથી મોત, આતંકીઓને ઘરમાં આશરો આપ્યો હતો
Jammu And Kashmir News: પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલામાં સામેલ આરોપી બિલાલ એહમદ કુચેનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, બિલાલ એહમદ 2019માં સીઆરપીએફ જવાનોના કાફલા પર હુમલો કરનારા 19 આરોપીઓમાંથી એક હતો. કિશ્તવાડ જિલ્લા જેલમાં અચાનક બિમાર પડતા બિલાલને 17 સપ્ટેમ્બરે જમ્મુની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.
શું હતી 2019ની ઘટના?
નોંધનીય છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામાના લેથપોરામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલી કારથી સીઆરપીએફ જવાનોના કાફલાના એક વાહનને ટક્કર મારી હતી, જેમાં 40 જવાનોના મોત થયા હતા અને અન્ય આઠ જવાનો ઘાયલ થયા હતા.
કોણ હતો બિલાલ એહમદ કુચે?
આ આતંકવાદી ઘટનામાં બિલાલ એહમદે અને તેના સાથીદારોએ આતંકવાદીઓને તેમના ઘરમાં આશ્રય આપ્યો હતો અને તેમને મોબાઇલ ફોન તેમજ અન્ય સુવિધાઓ ઉપલ્બધ કરાવી હતી. જે પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 19 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી અને બિલાલ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
એજન્સીએ આરોપીઓ વિરૂદ્ધ રણબીર પીનલ કોડ, આર્મ્સ એક્સ, અનલોફુલ એક્ટિવિટી (પ્રિવેન્શન) એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત ત્રણ પાકિસ્તાનીઓ સહિત કુલ છ આતંકવાદીઓને અલગ અલગ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. આ મામલે સંગઠનનો સંસ્થાપક મસૂદ અઝહર સહિત છ આતંકવાદીઓ હજુ પણ ફરાર છે. એનઆઇએ મુજબ પુલવામાની આતંકવાદી ઘટનાનું કાવતરું સંગઠનના પાકિસ્તાની નેતૃત્વ દ્વારા રચવામાં આવ્યું હતું.