જમ્મુ-કાશ્મીર પોલીસનો લાપતા કોન્સ્ટેબલ આતંકવાદી બની જતા ચકચાર
- AK- 47 સાથેનો ફોટો વાયરલ
- ઇશફાક દાર આતંકી સંગઠન લશ્કરે તોયબામાં જોડાયો હોવાની શંકા ચાલુ વર્ષમાં પોલીસકર્મી આતંકી બન્યા હોવા
શ્રીનગર, તા. 28 ઓક્ટોબર, 2017, શનિવાર
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલ પોતાની નોકરી છોડીને એક આતંકી સંગઠનમાં આતંકવાદી તરીકે જોડાઇ ગયો છે તેમ પોલીસે આજે જણાવ્યું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર તે લશ્કરે તોયબામાં જોડાયો હોવાની શંકા છે. ચાલુ વર્ષમાં પોલીસ કોન્સ્ટેબલ આતંકી બન્યો હોવાની ત્રીજી ઘટના સામે આવી છે.
શોપિયાંના હેફ ગામનો રહેવાસી ઇશફાક એહમદ દાર પોલીસની છોકરી નોકરી છોડીને આતંકી બની ગયો છે તેમ કાશ્મીર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ(આઇજીપી) મુનીર એહમદ ખાને જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇશફાક દારનો એકે ૪૭ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી જમ્મુ-કાશ્મીર પોલીસ આ સંદર્ભમાં વધુ તપાસ કરી રહી છે.
ખાને જણાવ્યું હતું કે હું ચોક્કસપણે કહી શકું છે કે દાર આતંકવાદી બની ગયો છે. જો કે તેમણે તે ક્યાં આતંકી સંગઠનમાં જોડાયો છે તેની સ્પષ્ટતા કરી ન હતી. આઇજીપીએ જણાવ્યું હતું કે અમે હાલમાં એ જણાવી શકીએ તેમ નથી કે તે ક્યાં આતંકવાદી સંગઠનમાં જોડાયો છે.
તાજેતરમાં જ દારનું પોસ્ટિંગ બડગામ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. હાલમાં કથુઆ જિલ્લામાં તેની ટ્રેનિંગ ચાલી રહી હતી. આ સપ્તાહની શરૃઆતમાં જ તેમણે રજા લીધી હતી. તે ઘરે પરત ફર્યા પછી લાપતા થઇ ગયો હતો. જેના પગલે તેના પરિવારના સભ્યોએ લાપતા થવાની ફરિયાદ કરી હતી.