જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં સેના અને આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ, બારામૂલામાં બે ઘૂસણખોર ઠાર
Kulgam Encounter : કુલગામના તંગમર્ગમાં આજે (23 એપ્રિલ) સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. બંને તરફથી સામસામે ભયાનક ગોળીબાર થઈ રહ્યો છે. હાલ એવી પણ માહિતી મળી છે કે, ફાયરિંગ બંધ થઈ ગયું છે. અધિકારીઓએ કહ્યું કે, કુલગામ જિલ્લાના તંગમર્ગ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં કોઈ પણ મોટી જાનહાની થઈ હોવાના અહેવાલો સામે આવ્યા નથી.
સવારે બે આતંકી ઘૂસણખોર ઠાર
આજે સવારે પણ સેનાએ બારામુલામાં મોટું અભિયાન પાર પાડ્યું હતું. સેનાએ LoC પાસે આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને બે આતંકવાદીને ઠાર કર્યા હતા. અહીં પણ સેના દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાના અધિકારીઓએ કહ્યું કે, સુરક્ષા દળોએ બે-ત્રણ આતંકવાદીઓને ઘૂસણખોરી કરતા જોયા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસે બે રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને સામાન જપ્ત કર્યો છે.
26 પ્રવાસીઓના મોતથી દેશમાં રોષ
આ પહેલા આતંકવાદીઓએ પહલગામમાં કારતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 લોકોની હત્યા કરી હતી. સેનાની વેશમાં આવેલા આતંકીઓે બાયસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઈડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કરી દીધો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનીક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.