જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરી પાછો 'રાજ્ય'નો દરજ્જો મળશે, અમિત શાહે આપી ખાતરી
Home Minister Assures J&K Statehood: જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરી પાછો રાજ્યનો દરજ્જો મળી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કામગીરી શru થઈ શકે છે. જો કે, સત્તાવાર જાહેરાત થઈ નથી. બુધવારે સાંજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મોટી બેઠક યોજાઈ હતી. સરકાર બનાવ્યા બાદની પ્રથમ બેઠકમાં જ એનસી સરકારે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો.
અમિત શાહે આપ્યો વિશ્વાસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરુ કરી શકે છે. અડધો કલાક સુધી ચાલનારી આ બેઠક સકારાત્મક રહી હતી. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યનો દરજ્જો આપવાની કામગીરી શરુ કરવાની ખાતરી આપી છે. જેનો સંકેત ઓમર અબ્દુલ્લાહે પણ આપ્યો છે.
ઓમર અબ્દુલાહએ શું કહ્યું
ઓમર અબ્દુલાહે આ બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે, આ એક શિષ્ટાચારની ભેટ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મુદ્દે ચર્ચા કરી. જમ્મુ-કાશ્મીરને 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. જેથી તેનું પોલીસ બળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં છે.
આ પણ વાંચોઃ SEBI પ્રમુખ માધબી બુચ સંસદીય સમિતિની બેઠકમાં હાજર ન થયા, ભાજપ-કોંગ્રેસ બાખડ્યાં
વડાપ્રધાનની પણ મુલાકાત લેશે
દિલ્હીમાં પોતાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અબ્દુલ્લાહ અનેક કેન્દ્રીય મંત્રીઓને મળશે તેમજ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત કરે તેવી સંભાવના છે. હાલમાં જ યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભા બેઠકમાં અબ્દુલ્લાહના પક્ષ નેશનલ કોંગ્રેસે 90માંથી 42 બેઠકો પર જીત મેળવી હતી.
નાયબ રાજ્યપાલે આપી મંજૂરી
નાયબ રાજ્યપાલ મનોજ સિંહાએ અબ્દુલ્લાહ મંત્રીમંડળના રાજ્યનો દરજ્જો પાછો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેની અંતિમ મંજૂરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવશે. રાજ્યને દરજ્જો આપવા મામલે મોટાભાગના મંત્રીઓએ સહમતિ દર્શાવી છે.