જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, કિશ્તવાડમાં ખીણમાં ખાબકી કાર, 4નાં કમકમાટીભર્યા મોત, 2 ઈજાગ્રસ્ત
Jammu and Kashmir Accident News | જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે એક વાહન ખીણમાં ખાબકતાં ચાર લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લાપતા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે જણાવ્યું કે, પદ્દારથી માસુ ગામ તરફ જતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ખીણમાં ખાબકી હતી.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
દુર્ઘટનામાં ચાર મુસાફરો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે ગુમ છે. ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. મૃતકોની ઓળખ રાજ કુમાર, મુકેશ કુમાર, હકીકત સિંહ અને સતીશ કુમાર તરીકે થઈ હતી. આ લોકો ગઢ, પદ્દાર, કિશ્તવાડના રહેવાસી છે.
કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
કેન્દ્રીય મંત્રી ડો જીતેન્દ્ર સિંહે ટ્વિટર પર આ મામલે એક પોસ્ટ કરી હતી કે “હમણાં જ એ જાણીને દુઃખ થયું કે એક કારના ગમખ્વાર અકસ્માતમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા. ડ્રાઇવર સહિત અન્ય બે વ્યક્તિઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના."