જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ... ચારેકોર હિમવર્ષાનો દોર, સેંકડો રસ્તા ઠપ થતાં પર્યટકો ફસાયા
Weather news | ડિસેમ્બર મહિનામાં જ જાન્યુઆરી જેવી કાતિલ ઠંડીનો દોર ચાલુ થઈ જતાં લોકો ઠુઠવાઈ ગયા છે. લેહથી શ્રીનગર સુધી પારો માઈનસ ડિગ્રી સુધી ગગડી ગયો છે, જ્યારે હિલ સ્ટેશન શિમલાથી મનાલી સુધી હાડ થીજવતી ઠંડી યથાવત્ છે. આખરે માઈનસ ડિગ્રીવાળી ભયંકર ઠંડીને કારણે જનજીવન લગભગ અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
હિમાચલમાં સેંકડો રસ્તા બંધ
હિમાચલ પ્રદેશમાં 223 સ્ટેટ હાઈવે, 177 રોડ અને 3 નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. મંગળવારે સાંજે પ્રવાસીઓના ધસારાને કારણે કાંગડા શહેરમાં ધર્મશાલા રોડ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કાંગડા જિલ્લાના ધર્મશાલા અને મેકલિયોડગંજ તરફ મોટી સંખ્યામાં પ્રવાસી વાહનો જઈ રહ્યા હતા, જેના કારણે કાંગડા શહેરમાં ધર્મશાલા રોડ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
હવે ઠંડી પર્વતોથી મેદાનો સુધી બધાને પરેશાન કરશે!
શહેર અલગ છે, વિસ્તાર અલગ છે પણ હિમવર્ષનો કહેર લગભગ એકસમાન જ છે. કેટલીક જગ્યાએ બધું જામી ગયું છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પરના બરફના કારણે પ્રવાસીઓના વાહનોના પૈડા પર બ્રેક વાગી ગઈ હતી. સિઝનની બીજી હિમવર્ષાએ મનાલીને બરફની સફેદ ચાદરથી ઢાંકી દીધું. એક તરફ દેશ-વિદેશના પ્રવાસીઓ મનાલી પહોંચી રહ્યા છે, તો બીજી તરફ હિમવર્ષાના કારણે હાઈવે પર પ્રવાસીઓના વાહનો અટવાઈ પડ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે મનાલીમાં આગામી 72 કલાક સુધી કુદરતનો સફેદ હુમલો ચાલુ રહેશે.
ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા
શિમલાની સ્થિતિ પણ મનાલીથી અલગ નથી. ગઈકાલે સિઝનની પ્રથમ હિમવર્ષાને કારણે શિમલાની તસવીર બદલાઈ ગઈ હતી. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ મનાવવા આવેલા પ્રવાસીઓ બરફવર્ષાની મજા માણી રહ્યા છે. ઉત્તરાખંડની વાત કરીએ તો ગઈકાલે ચારેય ધામો એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં હિમવર્ષા શરૂ થઈ હતી. ચારેકોર બરફની ચાદર દેખાઈ રહી છે. કેદારનાથ ધામમાં છેલ્લા દિવસથી સતત હિમવર્ષા ચાલુ છે. ધામમાં અત્યાર સુધીમાં એક ફૂટથી વધુ બરફ પડ્યો છે.
સ્થાનિક તંત્ર પણ એલર્ટ!
સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે પ્રવાસીઓની સુવિધા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ઉત્તરકાશીમાં હિમવર્ષા બાદ તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી નીચે ગગડી ગયો છે. ગંગોત્રી નેશનલ હાઈવે બંધ છે. ટિહરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી.
મેદાની વિસ્તારોની હાલત બગડી!
પર્વતોમાં હિમવર્ષા ચાલુ છે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસ ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. પહાડો પર શિયાળાની પકડ ચુસ્ત બની જતાં મેદાની વિસ્તારોમાં ઠંડીનું જોર એકાએક વધી ગયું છે. દિલ્હીથી પટના, જયપુરથી લખનૌ સુધી ઠંડીનું આક્રમક વલણ યથાવત્ છે. ક્રિસમસ અને નવા વર્ષ પહેલા ડિસેમ્બરમાં ઠંડી રેકોર્ડ તોડવા જઈ રહી છે. અત્યારે પહાડોમાં ઘણી હિમવર્ષા થઈ રહી છે અને માઈનસ ડિગ્રીનો ત્રાસ ચાલુ છે.