જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં સેનાના વાહન પર આડેધડ ગોળીબાર, બે જવાન શહીદ, ચાર લોકોના મોત
Jammu and Kashmir Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ નજીક સેનાની ગાડી પર આતંકવાદી હુમલાની ઘટના બની છે. આતંકીઓએ સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જે હુમલામાં બે જવાન શહીદ થયા, જ્યારે સેના માટે કામ કરી રહેલા ચાર લોકોના પણ મોત થયા છે. તો બે જવાન ઘાયલ પણ થયા છે. આતંકવાદી હુમલો ગુલમર્ગના નાગિન વિસ્તારમાં 18 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ની ગાડી પર થયો છે. સેનાની ગાડી બોટપાથરીથી આવી રહી હતી જે LoCથી પાંચ કિલોમીટર દૂર છે, ત્યારે આતંકવાદીઓએ હુમલો કરી દીધો. સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.
અગાઉ સોનમર્ગમાં થયો હતો આતંકી હુમલો
આ પહેલા જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા સ્થિત સોનમર્ગ વિસ્તારમાં 20મી ઓક્ટોબરે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે અધિકારી વર્ગના અને ત્રણ શ્રમિકો હતા. અહીં એક ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.
બારામુલામાં સેના-આતંકીઓ વચ્ચે થઈ હતી અથડામણ
આ પહેલા ત્રણ ઓક્ટોબરના રોજ બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ઘરમાં છૂપાયેલા ત્રણ આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાની 52મી રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસએસબીની બટાલિયન-2ની ટીમ આતંકવાદીઓને વળતો જવાબ આપ્યો હતો.
જમ્મુમાં આતંકી હુમલા વધ્યા
જમ્મુ ક્ષેત્રમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. જુલાઈમાં ડોડા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં એક અધિકારી અને એક પોલીસ અધિકારી સહિત ચાર સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા અલગ જૂથ કાશ્મીર ટાઈગર્સે લીધી હતી.