મહેબૂબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ, શું કહ્યું PDP ચીફે?
- આ જગ્યા પિતા (મુફ્તી મોહમ્મદ સઈદ)ને ડિસેમ્બર 2005માં ફાળવવામાં આવી હતી, જ્યારે તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. આથી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલ આધારો યોગ્ય નથી
જમ્મુ-કાશ્મીર, તા. 21 ઓક્ટોબર 2022, શુક્રવાર
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીને ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, 'ફેયર વ્યૂમાંથી બહાર કાઢવાની નોટિસ મને થોડા દિવસો પહેલા આપવામાં આવી હતી. આ આશ્ચર્યજનક નથી અને અપેક્ષા મુજબ છે.
મુફ્તીએ કહ્યું કે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંગલો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી માટે છે, પરંતુ એવું નથી. "આ જગ્યા મારા પિતા (મુફ્તી મોહમ્મદ સઈદ)ને ડિસેમ્બર 2005માં ફાળવવામાં આવી હતી, જ્યારે તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. આથી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલ આધારો યોગ્ય નથી.
લીગલ ટીમની સલાહ લેશેઃ મહેબૂબા
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે નોટિસને કાયદાની અદાલતમાં પડકારશે, તો પીડીપી વડાએ કહ્યું કે તે તેમની કાનૂની ટીમની સલાહ લેશે. તેણે કહ્યું, 'મારી પાસે એવી જગ્યા નથી જ્યાં હું રહી શકું. તેથી નિર્ણય લેતા પહેલા મારે મારી કાનૂની ટીમની સલાહ લેવી પડશે.' દરમિયાન, સમાચાર છે કે મહેબૂબા મુફ્તીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેમના માટે અન્ય વૈકલ્પિક ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે.
'સિક્યોરિટીના આધારે બંગલો મળ્યો'
પીડીપી યુવા મહાસચિવ મોહિત ભટે જણાવ્યું હતું કે સુરક્ષાના આધારે 2005માં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મુફ્તી મોહમ્મદ સઈદને બંગલો આપવામાં આવ્યો હતો. મુફ્તી સાહેબ શહેરની સીમમાં આવેલા તેમના નૌગામ નિવાસસ્થાને જવા માંગતા હતા. તે સમયે તેમને નૌગામ જવા દેવામાં આવ્યા ન હતા. તે સ્પષ્ટ છે કે આ નિવાસને સીએમ અથવા પૂર્વ સીએમ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે માત્ર સુરક્ષાનો મામલો છે.