'મને આશા હતી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે, હું પણ લડીશ', ફારૂક અબ્દુલ્લાની જાહેરાત
Jammu and Kashmir Election: જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે, ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 18મી સપ્ટેમ્બર, બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઑક્ટોબરે થશે. પરિણામ ચોથી ઑક્ટોબરે જાહેર થશે. અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને ઐતિહાસિક ચૂંટણી માનવામાં આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે.
નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ આપી પ્રતિક્રિયા
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે 'હું હંમેશાથી અપેક્ષા રાખતો હતો કે ચૂંટણી યોજાશે, રાજ્યમાં સરકાર બન્યાને વર્ષો થઈ ગયા છે, ત્યાં લોકોના પ્રતિનિધિ હોવા જોઈએ જે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે. તેથી જ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચૂંટણી યોજવી પડશે.'
ફારૂક અબ્દુલ્લા કોની સાથે ચૂંટણી લડશે?
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, 'નેશનલ કોન્ફરન્સ એકલા ચૂંટણી લડશે કે કોઈની સાથે એ કહેવું સરળ નથી. અન્ય પક્ષો શું નિર્ણય લે છે તેના આધારે ભવિષ્ય જોવામાં આવશે. પાર્ટી આ નિર્ણય લેશે.'
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી
ચૂંટણી લડવા અંગે ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, 'હું ચૂંટણી લડીશ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઓમર અબ્દુલ્લા ચૂંટણી લડશે કે નહીં? આના જવાબમાં તેમણે કહ્યું કે, 'તે પહેલેથી જ કહી ચૂક્યા છે કે જ્યાં સુધી આ કેન્દ્રશાસિત પ્રદેશ છે ત્યાં સુધી તેઓ ચૂંટણી નહીં લડે. જમ્મુ-કાશ્મીર રાજ્ય બનશે ત્યારે તેઓ ચૂંટણી પણ લડશે. તેમનું વચન છે કે સરકાર રાજ્યનો દરજ્જો આપશે'
ભાજપ વિશે શું કહ્યું?
જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાના ભાજપના દાવા પર ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ' મે કોઈ રોક્યા નથી. અમે સખત મહેનત કરીશું, તે નફરત વિશે વાત કરશે, અમે પ્રેમ વિશે વાત કરીશું. તે હિંદુ-હિંદુની વાત કરે છે, આ રાજ્યમાં હિંદુ, શીખ અને મુસ્લિમ પણ છે, અમે બધાની વાત કરીએ છીએ.'