જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
Jammu and Kashir Rajouri News | જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જેમાં લાન્સ નાઈક બલજીત સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ક્યાં અને કેવી રીતે થયું અકસ્માત
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે સૈન્યનુંવાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી જતાં ચાર કમાન્ડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સરહદી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં મોડી રાતે આ અકસ્માત થયો હતો, જેના કારણે વાહનને વ્યાપક નુકસાન થયું હતું.
ગામના લોકોએ બચાવ કામગીરીમાં મદદ કરી
તેમણે જણાવ્યું કે સ્થાનિક ગ્રામજનો સહિત બચાવકર્મીઓએ ઘાયલ 4 કમાન્ડોને બહાર કાઢ્યા અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. જેમાંથી બેની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. હવે લાન્સ નાઈક બલજીત સિંહનું અવસાન થયું છે. 9 સપ્ટેમ્બરના રોજ ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.