જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રહસ્યમય બીમારી ફેલાઈ, મહિનામાં 11 બાળક સહિત 14નાં મોતથી હડકંપ
Jammu Kashmir Health Crisis: જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજૌરીના બધાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ પરિવારોના 11 બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. આ બનાવથી બધાલ ગામ અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. સરકારે આ મામલાની તપાસ માટે આરોગ્ય ટીમો તૈનાત કરી છે.
એક પછી એક મોતના કારણે ભય ફેલાયોનો માહોલ
મળતી માહિતી મુજબ સફીના કૌસરનું જમ્મુની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પછી બે દિવસમાં તેના અન્ય ત્રણ ભાઈ-બહેનો પણ મૃત્યુ પામ્યા. બે લોકો હજુ પણ મોત સાથે જંગ લડી રહ્યા છે. સોમવારે તેના દાદા મોહમ્મદ રફીકનું રાજૌરીની હોસ્પિટલમાં અવસાન થયું હતુ. ગયા મહિનાની શરૂઆતમાં ગામમાં બે પરિવારના નવ લોકોના મોત થયા હતા. પ્રાથમિક તબક્કે એવું લાગતું હતું કે આ મૃત્યુ ફૂડ પોઈઝનિંગના કારણે થયા છે. જો કે, મોટાભાગના ગ્રામજનોએ સમાન લક્ષણોની ફરિયાદ કરતા પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી હતી. આ પછી સરકારે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને દેશની ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા.
શું કહે છે ડૉકટરો?
જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ રહસ્યમય મૃત્યુનું કારણ વાયરલ ઇન્ફેક્શન હતું. જો કે, ડૉક્ટરે એમ પણ કહ્યું કે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે વધુ અભ્યાસની જરૂર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે, PGI ચંદીગઢ, AIIMS દિલ્હી અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), દિલ્હીના નિષ્ણાતોની ટીમે પણ કેસની તપાસમાં મદદ કરવા ગામની મુલાકાત લીધી છે.