એરબેઝ એટેકના એક સપ્તાહ બાદ જમ્મુમાં ફરીથી દેખાયું ફ્લાઈંગ ઓબ્જેક્ટ, ડ્રોન હોવાનો પોલીસનો ઈનકાર
- અગાઉ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન પાસે પણ ડ્રોન દેખાયું હતું
નવી દિલ્હી, તા. 04 જુલાઈ, 2021, રવિવાર
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક સપ્તાહ બાદ ફરી એક વખત ફ્લાઈન્ગ ઓબ્જેક્ટ જોવા મળ્યું છે. આ ઓબ્જેક્ટ જમ્મુના સાંબા જિલ્લામાં બીરપુર પાસે જોવા મળ્યું હતું. જોકે પોલીસે તે ડ્રોન હોવાની આશંકાનો ઈનકાર કરી દીધો છે. જાણવા મળ્યા મુજબ આ ફ્લાઈંગ ઓબ્જેક્ટ શનિવારે સાંજે 8:35 કલાકે સાંબા જિલ્લામાં બીરપુર પાસે જોવા મળ્યું હતું. જોકે સર્ચ ઓપરેશન દરમિયાન કશું હાથ નહોતું લાગ્યું.
અત્યાર સુધીમાં 5 વખત ડ્રોન દેખાયા
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર 26-27 જૂનની રાતે ડ્રોન વડે 2 વખત હુમલા થયા હતા. જોકે આ હુમલામાં કોઈ મોટું નુકસાન નહોતું થયું પરંતુ પહેલી વખત આ પ્રકારે ડ્રોન વડે આતંકવાદી હુમલો થયો હતો. ત્યાર બાદ જમ્મુ કાશ્મીરમાં સતત ડ્રોન દેખાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 5 વખત ડ્રોન દેખાઈ ચુક્યા છે.
તાજેતરમાં શુક્રવારે ઈન્ટરનેશનલ બોર્ડર પર અરનિયા સેક્ટર પાસે ડ્રોન દેખાયું હતું. જમ્મુ એરબેઝ એટેકના પછીના દિવસે જ કાલુચક મિલિટ્રી સ્ટેશન પાસે પણ ડ્રોન દેખાયું હતું. તે સિવાય કાલુચક, મિરાં સાહિબ અને કુંજવાની વિસ્તારમાં પણ ડ્રોન એક્ટિવિટી નોંધાઈ છે.
જમ્મુ એરબેઝ એટેકમાં ડ્રોનના ઉપયોગની પૃષ્ટિ તો થઈ ચુકી છે પરંતુ એરબેઝ ખાતેથી ડ્રોનના કોઈ પુરાવા નથી મળ્યા. આ કારણે હુમલા બાદ ડ્રોન પાછા જતા રહ્યા હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.
અગાઉ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન પાસે પણ ડ્રોન દેખાયું હતું. ભારતે આ મુદ્દાને ગંભીરતાથી લઈને પાકિસ્તાન સરકારને ઘેરી છે.