કોંગ્રેસમાં બળવો કરી નવી પાર્ટી બનાવનારા દિગ્ગજને ઝટકો, ચૂંટણી પહેલા 4 ઉમેદવારે મેદાન છોડ્યું
Jammu Kashmir Assembly Election: જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના 10 ઉમેદવારોમાંથી ચાર ઉમેદવારોએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા આઝાદે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી પ્રચારથી દૂરી લીધી હતી. તેમણે કહ્યું હતું કે ઉમેદવારો તેમના નામ પાછા ખેંચવા માટે સ્વતંત્ર છે.
ચૂંટણી લડવાનો નિર્ણય ઉમેદવારો પર છોડવામાં આવ્યો હતો
25 ઓગસ્ટની રાત્રે છાતીમાં દુખાવો થતા તેઓ 26 ઓગસ્ટે દિલ્હી ખાતે એઈમ્સમાં દાખલ થઈ ગયા હતા. ત્યારબાદ બે દિવસ પહેલા ગુલામ નબી આઝાદે ખરાબ તબિયતનું કારણ આપીને વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ ન લઈ શકવાની જાહેરાત કરી હતી. તેમજ તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય ઉમેદવારો પર છોડી દીધો હતો.
લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટી સારુ પ્રદર્શન નહતી કરી શકી
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે આઝાદ બે-ત્રણ દિવસ માટે કાશ્મીર આવી શકે છે પરંતુ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં. આઝાદે બે વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને અલગ પાર્ટી બનાવી હતી. તેમણે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
ત્યારથી, તેમના કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળો ચાલતી હતી પરંતુ આઝાદે તેનો ઇનકાર કર્યો હતો અને ઉમેદવારોની જાહેરાત કરી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ જીએમ સરોરીએ પહેલેથી જ કિશ્તવાડની ઈન્દરવાલ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
આઝાદે કહ્યું- ઉમેદવારો તેમના નામ પાછા ખેંચવા માટે સ્વતંત્ર
આઝાદે કહ્યું કે, 'મને અફસોસ છે કે હું મારી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરી શકીશ નહી.' તેમજ તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય ઉમેદવારો પર છોડતા કહ્યું હતું કે, 'જો તમે ઈચ્છો તો ઉમેદવારીમાંથી તમારું નામ પાછું ખેંચી શકો છો.'
પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો બાકી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 24 બેઠકો પર નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસે 25 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા. હવે માત્ર 219 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા અનંતનાગ, કુલગામ, શોપિયાં અને પુલવામાની 16 વિધાનસભા મતવિસ્તારો અને જમ્મુ પ્રાંતના રામબન, ડોડા અને કિશ્તવારની 8 વિધાનસભા બેઠકો પર 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે.