જમૈકાના વડાપ્રધાનની ભારતની પહેલી ઐતિહાસિક મુલાકાત એન્ડ્રુ હોલનેસ સાથે પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું છે
- 'સલામતી સમિતિ'ના કાયમી સભ્યપદની કવાયત ચાલે છે
- ક્રિકેટ દ્વારા વિશ્વ વિખ્યાત બનેલા આ દેશ સાથે શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી તાલીમ અને વ્યાપાર ક્ષેત્રે અનેકવિધ કરારો કરાશે
નવી દિલ્હી : કેરેબિયન સમુદ્ર સ્થિત ટાપુ રાષ્ટ્ર જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસ આજે (સોમવારે) ભારતની ચાર દિવસની મુલાકાતે ભારત આવી પહોંચ્યા છે. તેઓની સાથે જમૈકાના રાજદ્વારીઓ, વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓનું બનેલું એક પ્રતિનિધિ મંડળ પણ આવી પહોંચ્યું છે. આ પ્રતિનિધિ મંડળમાં ભારત વંશીઓ પણ છે.
બ્રિટિશ સામ્રાજયમાંથી ૧૯૬૨માં સ્વતંત્ર થયેલા આ ટાપુ રાષ્ટ્રના કોઈ પણ ટોચના નેતાની આ ભારતની પહેલી મુલાકાત છે. તેઓ અને તેઓની સાથેનું પ્રતિનિધિ મંડળ વિદેશ મંત્રાલયે હાઈ કમિશ્નર દ્વારા આપેલા આમંત્રણને પગલે ભારત આવ્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જાખડ તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પણ મુલાકાત લેશે.
એન્ડ્રૂ હોલનેસ તેઓની મુલાકાત દરમિયાન બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, આર્થિક સહકાર વધારવા અને બંને દેશો વચ્ચેના શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને તાલિમ ક્ષેત્રે મંત્રણા થશે, તેમજ વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ કરારો કરાશે.
જમૈકામાં શેરડીના ખેતરો અને ખાંડના કારખાનાઓમાં કામ કરવા સેંકડો ભારતીયો ઈન્ડેન્ચર્ડ લેપરર્સ (ગિરમીરયા કામદારો) તરીકે ત્યાં ૧૯મી સદીથી સ્થિર થયા છે. હવે તેઓનો રાજકીય પ્રભાવ પણ ગણનાપાત્ર બની રહ્યો છે.
આ નાનું એવું ટાપુ રાષ્ટ્ર તો તેના ખ્યાતનામ ક્રિકેટરોથી વિશ્વ વિખ્યાત બની ગયું છે. તેઓની આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'જમૈકાના વડાપ્રધાનની ભારતની મુલાકાતથી બંને દેશોના સંબંધો સુદ્રઢ બનશે. બંને દેશોને પૂર્વેનો સંસ્થાનવાદી ઈતિહાસ છે. બંને દેશો લોકશાહી અને અભિવ્યક્તિની મુક્તિનો આદર કરે છે. બંને દેશો ક્રિકેટ માટે વિશ્વ વિખ્યાત છે.'
એન્ડ્રુ હોલનેસ સોમવારે સવારે ભારત આવી પહોંચ્યા ત્યારે વિત્ત મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ તેઓનું વિમાન ગૃહે સ્વાગત કર્યું હતું.
કેરેબિયન દ્વિપ સમુહમાં રહેલા માત્ર ૧૦,૯૯૧ ચો.કી.મી.નું જ (આશરે ત્રિપુરા રાજ્ય જેટલું) ક્ષેત્રફળ ધરાવતા આ ટાપુ રાષ્ટ્રનું મહત્વ ત્યાં પેઢીઓથી વસેલા ભારતીયોની દ્રષ્ટિએ તો ઘણું જ છે. તેથી એ વધુ તો ભારત જ્યારે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવા માગે છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક એક મત મહત્વનો છે. તેથી બ્રિટિશ કોમનવેલ્થના સભ્યોનું ભારત પીઠબળ (મત દ્વારા) મેળવવા ઈચ્છે છે. તે ગણતરીએ નાના એવા ટાપુ રાષ્ટ્ર જમૈકાનો મત પણ મહત્વનો છે. હોલનેસ અન્ય ટાપુ રાષ્ટ્રોને ભારત તરફે વાળી શકે તેવી આશા રખાય છે.