દુનિયા માટે જે સારું હશે તે ડર્યા વિના કરીશું, કોઈને વીટો નહીં કરવા દઈએ', વિદેશમંત્રી જયશંકરનો હુંકાર
EAM Jaishankar: દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે હુંકાર ભરતાં કહ્યું છે કે, ‘ભારત દ્વારા લેવામાં આવતાં નિર્ણયો પર વીટો કરવાનો હક કોઈને પણ નહીં આપીએ. દેશ અને વિશ્વના હિત માટે જે પણ યોગ્ય હશે તેવા નિર્ણયો લેવા ભારત હંમેશા તત્પર રહેશે. અમે ડર્યા વિના નિર્ણયો લેતાં રહીશું.’
વારસા પર ગર્વ
મુંબઈમાં આયોજિત એક સમારોહમાં જયશંકરે જણાવ્યું હતું કે, જ્યારે ભારત વૈશ્વિક સ્તરે તેના અદ્ભૂત વારસા સાથે ઊંડાણપૂર્વક જોડાણ કરી રહ્યો છ. તણાવપૂર્વ જીવનશૈલી અને વારંવાર આબોહવા પરિવર્તનનો સામનો કરી રહેલા વિશ્વને ભારતનો વારસો ઘણું શીખવી રહ્યો છે. પરંતુ વિશ્વને તેની જાણ ત્યારે જ થઈ શકે, જ્યારે દેશવાસીઓ તેના પર ગર્વ લેતાં શીખશે.
રાષ્ટ્ર અને વિશ્વના હિત માટે નિર્ણયો લઈશું
વધુમાં જણાવ્યું હતું કે, ભારત અવશ્ય પ્રગતિ કરશે, પરંતુ તેની ભારતીયતા ગુમાવ્યા વિના જ આગળ વધવુ પડશે. આપણે વાસ્તવમાં વિશ્વમાં એક અગ્રણી શક્તિ સ્વરૂપે ઉભરી શકીએ છીએ. અમે રાષ્ટ્ર અને વિશ્વના હિત માટે યોગ્ય તમામ નિર્ણયો ડર્યા વિના લઈશું. તેમજ તેના પર કોઈને પણ વીટો લગાવવાની મંજૂરી આપીશું નહીં.
વારસા અને પરંપરાને સમજવી જરૂરી
આપણને લાંબા સમયથી પ્રગતિ અને આધુનિકીકરણ માટે વારસા અને પરંપરાને છોડવાનું શીખવવામાં આવ્યું છે. પરંતુ જ્યારે લોકતંત્રના મૂળ ચકાસવામાં આવ્યા, ત્યારે દેશનો વારસો શોધાઈ રહ્યો છે. ફરી પાછું આપણું વ્યક્તિત્વ પરત મેળવ્યું છે. આપણે વારસા અને પરંપરાને અપનાવી તેને સમજવી જરૂરી છે. દેશ પોતાની સાંસ્કૃતિક શક્તિઓનો લાભ ઉઠાવીને જ વિશ્વ પર છાપ ઉભી કરી શકે છે. જેના માટે આપણે પોતે, યુવા પેઢીને આપણા વારસાના મૂલ્યો અને મહત્ત્વ સમજાવવા પડશે.