ડોલરને નબળો પાડવાનો કોઇ ઇરાદો નથી, ટ્રમ્પની ચીમકી બાદ વિદેશ મંત્રી જયશંકરની સ્પષ્ટતા
S Jaishankar On US Dollar : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે(7 ડિસેમ્બર) દોહા ફોરમમાં અમેરિકન ડોલર અને વૈશ્વિક રાજકારણ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારત ક્યારેય અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઓછી કરવાના પક્ષમાં રહ્યો નથી. નોંધનીય છે કે, તાજેતરમાં અમેરિકાના ભાવી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ચીમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, જો બ્રિક્સ દેશો અમેરિકન ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે તો તેમના પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. જોકે, જયશંકરે આ અંગે નિવેદન આપી ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે.
બ્રિક્સ કરન્સીને લઇને અત્યારે કોઇ સમજૂતી નથી
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, 'હાલ બ્રિક્સ કરન્સીને લઇને સંગઠનમાં સામેલ દેશો વચ્ચે કોઇ સમજૂતી થઇ નથી. આ મામલે હજુ સુધી કોઇપણ દેશનું વલણ સ્પષ્ટ થયું નથી. દરેક દેશના પોતાના હિત હોય છે અને તેઓ ઘણા મુદ્દે સંમત કે અસંમત થઇ શકે છે. હું ટ્રમ્પના નિવેદન પાછળના કારણો સ્પષ્ટ નથી કરી રહ્યો, પરંતુ ભારતનું વલણ હંમેશાથી એ જ રહ્યું છે કે તે ડી ડોલરાઇઝેશનનું સમર્થક નથી.'
પશ્ચિમનું પ્રભાવ ઘટાડવું જોઇએ
જયશંકરે વધુમાં કહ્યું કે, 'ભારતનો અભિગમ વધુ નવીન અને સહભાગી રાજદ્વારી સંબંધો વિકસાવવા તરફ છે. વિશ્વના તમામ દેશોએ હવે પશ્ચિમનું પ્રભાવ ઘટાડવા પ્રયાસ કરવા જોઇએ. વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને રાજદ્વારીઓએ નવી રણનીતિ અપનાવવાની જરૂર છે અને ભારત આ દિશામાં પોતાનું નેતૃત્વ દેખાડી રહ્યું છે.'
વિશ્વની વાસ્તવિકતા ખૂબ જટિલ
દોહા ફોરમમાં પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જયશંકરે કહ્યું કે, 'આ દુનિયાની વાસ્તવિકતા ખૂબ જ જટિલ અને સૂક્ષ્મ છે. તેમણે કહ્યું કે દરેક દેશ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની રણનીતિ પોતાના રાષ્ટ્રીય હિતો અનુસાર અપનાવે છે અને ક્યારેક એક જ દેશ અનેક મુદ્દાઓ પર અનેક સંયોજનોમાં કામ કરે છે.'