અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ મંગાશે, એજન્ટો પર તવાઈઃ જયશંકર
Jaishankar briefs on deportation : વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે આજે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આજે સવારથી જ સંસદની બહાર વિપક્ષી સાંસદો હાથકડી પહેરીને વિરોધ કરી રહ્યા હતા ત્યારે જયશંકરે આજે વડાપ્રધાન સાથે બેઠક બાદ સંસદમાં નિવેદન આપ્યું હતું.
ડિપોર્ટેશન મામલે સરકાર હાથ ઊંચા કર્યા? કહ્યું- આ કશું નવું નથી
તેમણે કહ્યું હતું, કે પહેલા પણ ગેરકાયદેસર ઘૂસેલા લોકોને સ્વદેશ પરત કરવામાં આવ્યા હતા. તમામ દેશોની જવાબદારી છે કે ગેરકાયદે નાગરિકોને પરત સ્વીકારે. કોઈ પણ દેશથી ગેરકાયદે ભારતીયોને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા 2009થી ચાલી રહી છે. 2012થી સરકારી વિમાનમાં લોકોને ભારત મોકલવામાં આવે છે. સાંસદોએ જાણવું જરૂરી છે કે ડિપોર્ટેશન કોઈ નવી વાત નથી, આવું પહેલા પણ થતું રહ્યું છે. 2009માં 747 ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે દર વર્ષે સેંકડો લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. દરેક દેશમાં નાગરિકતાને લઈને તપાસ થાય છે. 2012થી જ મિલીટરી પ્લેનથી આવા લોકોને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જયશંકરે માઇગ્રેશન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સંધિનો પણ ઉલ્લેખ કર્યો. જેથી કાયદેસર રીતે જતાં લોકોને પ્રોત્સાહન મળે અને ઘુસણખોરી રોકી શકાય.
કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાના સળગતા સવાલ:
રણદીપ સુરજેવાલાએ વિદેશમંત્રીના નિવેદન બાદ રાજ્યસભામાં સરકારને સવાલ પૂછતાં કહ્યું હતું, કે શું સરકારને જાણ હતી કે આ લોકોને પરત મોકલવામાં આવશે? કઈ રીતે મોકલવામાં આવશે? શું સરકારને જાણ છે કે અમેરિકામાં કેટલા ભારતીયો ગેરકાયદે રહે છે. જો કોલંબિયા જેવો દેશ અમેરિકાને લાલ આંખ બતાવી શકે તો આપણે કેમ નહીં?
કેદી વાનમાં બેસાડીને કેમ લઈ ગયા?: સંજય સિંહ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું હતું, કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ટ્રમ્પની મિત્રતાના વખાણ કરે છે. હાથકડી અને સાંકળ બાંધીને ભારતીયોને લાવવામાં આવ્યા. ભારતની ધરા પર ઉતર્યા બાદ પણ તેમને સન્માન આપવામાં આવ્યું નહીં. હરિયાણા લોકોને તો કેદી વાનમાં બેસાડીને લઈ ગયા. નાના દેશો પોતાના વિમાન મોકલીને નાગરિકોને લાવી શકે તો તમે કેમ આવી કોઈ યોજના ન બનાવી? અમેરિકાની સેનાનું વિમાન આપણી ધરતી પર આવ્યું અને તમને ખબર પણ ન પડી?
જયશંકરે આપ્યા સવાલોના જવાબ:
વિપક્ષી સાંસદોના સવાલ બાદ વિદેશમંત્રી એસ. જયશંકર ફરી જવાબ આપવા માટે ઊભા થયા. તેમણે કહ્યું હતું, કે '104 ભારતીયોની વતન વાપસીની અમને જાણકારી હતી. અમને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. અમે તંત્રને નિર્દેશ આપ્યા છે કે જેટલા લોકો પરત આવ્યા છે તે દરેક એક એક વ્યક્તિ સાથે બેસીને વાત કરે કે તેઓ કેમ અમેરિકા ગયા? ડિપોર્ટેશનમાં મિલીટરી એરક્રાફ્ટ હોય કે ચાર્ટર્ડ પ્લેન હોય, પ્રક્રિયા તો એ જ રહે છે. જ્યાં સુધી સંપત્તિનો સવાલ છે, તેમની કોઈ સંપત્તિ નહોતી. જો તેમની પાસે કશું હશે તો જોઈશું.