Get The App

ગોલ્ડ લોન પર EMI ભરવામાં સક્ષમ નથી લોકો, કોંગ્રેસે કહ્યું- મંગળસૂત્ર ચોરી રહી છે સરકાર

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
jairam-ramesh


Gold Loan Repayment: હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં એ વાત સામે આવી છે કે ગોલ્ડ પર લોન લેનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને હવે આ લોકો તેમની EMI ચૂકવવામાં પણ અસમર્થ છે. જેને લઈને કોંગ્રેસ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મોદી સરકારના ખોટા નિર્ણયોના કારણે દેશમાં ગોલ્ડ લોન સંબંધિત એનપીએની સમસ્યા ગંભીર બની ગઈ છે, જેના કારણે સામાન્ય નાગરિકો તેમનું ગોલ્ડ ગુમાવી રહ્યા છે.

જયરામ રમેશે ભાજપ પર લગાવ્યા આરોપ 

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનને ટાંકીને આ આરોપ લગાવ્યો હતો. જયરામ રમેશે કહ્યું કે, 'ખોટી પ્રાથમિકતાઓને કારણે આ સરકાર મહિલાઓ પાસેથી મંગળસૂત્ર છીનવનારી એકમાત્ર સરકાર બની છે.'

મોદી સરકાર પાસે દેશના આર્થિક સંકટનો કોઈ ઉકેલ નથી 

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, 'મોદી સરકાર પાસે દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટનો કોઈ ઉકેલ નથી. સરકાર હવે લોકોના મંગળસૂત્રની ચોરી કરી રહી છે. ખોટી પ્રાથમિકતાઓને કારણે આ સરકાર મહિલાઓ પાસેથી મંગળસૂત્ર છીનવનારી એકમાત્ર સરકાર બની છે.

ગોલ્ડ લોન એનપીએમાં વધારો થયો 

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'જૂન 2024 સુધીમાં બેન્કો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓની ગોલ્ડ લોન એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ્સ) 30% વધીને રૂ. 6696 કરોડ થઈ ગઈ છે.' કોંગ્રેસે આ અહેવાલને પોતાનું હથિયાર બનાવ્યું છે અને કહ્યું છે કે દેશની સ્થિતિ હાલ ચિંતાજનક છે. 

જયરામ રમેશે દાવો કર્યો હતો કે, 'ભારતીય પરિવારોએ લગભગ 3 લાખ કરોડ રૂપિયાની ગોલ્ડ લોન લીધી છે, જેમાંથી મોટાભાગની લોન હજુ ચૂકવવાની બાકી છે. આથી કોંગ્રેસનું માનવું છે કે જ્યારે લોકો આવી લોન ચૂકવવામાં અસમર્થ હોય છે, ત્યારે તેઓએ તેમની સોનાની સંપત્તિ ગુમાવવી પડે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, મહિલાઓની જ્વેલરી હોય છે, જેમાં મંગળસૂત્રનો પણ સમાવેશ થાય છે.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સરકાર બનતા જ ખટપટ! ફડણવીસે શિંદેના નિર્ણય પર રોક લગાવી તપાસના આદેશ આપ્યા

પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના અલીગઢમાં રેલીમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, 'દેશની સંપત્તિ લૂંટવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનતી કોંગ્રેસ હવે મહિલાઓના મંગળસૂત્ર પર નજર કરી રહી છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લોકોની સંપત્તિ છીનવીને જરૂરિયાતમંદોમાં વહેંચવાની વાત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે જો તમારી પાસે બે ઘર છે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેમાંથી એક છીનવી લેશે અને જેમની પાસે ઘર નથી તેમને આપી દેશે.'

ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ એવો દાવો પણ કર્યો હતો કે, 'કોંગ્રેસની નજર હવે અમારી માતાઓ અને બહેનોના સોના પર અને તેમના મંગલસૂત્ર પર છે અને તે કાયદો બદલીને માતા-બહેનોની સંપત્તિ છીનવી લેવાની રમત રમી રહી છે.'

ગોલ્ડ લોન પર EMI ભરવામાં સક્ષમ નથી લોકો, કોંગ્રેસે કહ્યું- મંગળસૂત્ર ચોરી રહી છે સરકાર 2 - image



Google NewsGoogle News