Get The App

'હરિયાણાનું પરિણામ તંત્રની જીત, લોકતંત્રની હાર, EVMમાં છેડછાડ કરાઈ', કોંગ્રેસ નેતાના ગંભીર આરોપ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
'હરિયાણાનું પરિણામ તંત્રની જીત, લોકતંત્રની હાર, EVMમાં છેડછાડ કરાઈ', કોંગ્રેસ નેતાના ગંભીર આરોપ 1 - image


Haryana Election Results:  હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને બહુમતી મળી છે. તાજેતરના આંકડાઓમાં, ભાજપ 51 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠક સાથે પાછળ છે. હાલની સ્થિતિના આધારે કોંગ્રેસના નબળા દેખાવના કારણોની ચર્ચા શરુ થઈ ગઈ છે. કોંગ્રેસે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબને લઈને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તો અનેક બેઠકો પર EVMમાં છેડછાડ થયાની પણ કોંગ્રેસે ફરિયાદ કરી છે.

તંત્રની જીત, લોકતંત્રની હાર : જયરામ રમેશ

હરિયાણાના પરિણામો પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, 'હરિયાણાના પરિણામ ચોંકાવનારા છે. આવા પરિણામો કોઈ વિચારી નથી શકતું, આ સ્વીકાર્ય છે. આ તંત્રની જીત છે અને લોકતંત્રની હાર છે. EVMની બેટરીને લઈને કોંગ્રેસ EVMમાં ગડબડની ફરિયાદ કરશે. રાજ્યના હિસાર, મહેન્દ્રગઢ અને પાનીપત સહિતના કેટલાક જિલ્લામાંથી ગંભીર ફરિયાદો ઉઠી છે. આ તમામ ફરિયાદો એકઠી કરીને ચૂંટણી પંચને મળીશું. હરિયાણાના પરિણામ જમીની હકિકત વિરૂદ્ધ અને લોકભાવનાની વિરૂદ્ધ છે. હરિયાણાના પરિણામોને લઈને કમિટી રચીશું અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું.' આ અગાઉના નિવેદનમાં જયરામ રમેશે કહ્યું હતું કે, 'ચૂંટણી પંચની વેબસાઈટ પર ધીમી ગતિએ ઈરાદાપૂર્વક ચૂંટણીના વલણો રજૂ કરવામાં આવી રહ્યા છે. આનાથી એવી આશંકા વધી રહી છે કે ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.'

જમ્મુ કાશ્મીરના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો : જયરામ રમેશ

જમ્મુ કાશ્મીરના પરિણામો પર જયરામ રમેશે કહ્યું કે, 'જમ્મુ કાશ્મીરના લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અહીંના લોકોએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો એ અમારી પ્રાથમિકતા છે. જમ્મુ કાશ્મીરના પરિણામોની પણ સમીક્ષા કરીશું.'



આ પણ વાંચોઃ હરિયાણામાં ભાજપે આ રીતે પલટી બાજી, ગ્રામીણ vs શહેરી મતોના કારણે થયો ખેલ

આ વલણ બદલાશે: સુપ્રિયા શ્રીનેટ

કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેટે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "આ ટ્રેન્ડ બદલાશે. ચૂંટણી પંચની વેબસાઇટ ડેટા અપડેટ નથી કરી રહી. અમારા ડેટામાં કોંગ્રેસ આગળ છે. ચિત્ર બદલાશે." બીજી તરફ કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ કહ્યું કે, અમે અમારા એજન્ટોને પોતપોતાના મતદાન કેન્દ્ર પર રહેવાની અપીલ કરીએ છીએ.

કોંગ્રેસ નેતાએ કહ્યું- કંઈક ખોટું છે

હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા જગત નેગીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, "હરિયાણામાં લોકો છેલ્લા 10 વર્ષથી ભાજપથી ખુશ ન હતા. જો ભાજપ જીતશે તો તે લોકશાહી માટે કમનસીબી ગણાશે." નેગીએ ભાજપના આત્મવિશ્વાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, "કંઈક ખોટું તો થયું જ હશે, તેથી જ આટલી બધા પરિબળો તેમની વિરુદ્ધ હોવા છતાં, ભાજપના લોકો આટલા આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા છે, ઘણા પ્રકારની ખામીઓ છે. ઈવીએમ બદલવું કે તેની અંદર કંઈક કરવું એ તપાસનો વિષય છે."

હરિયાણાના વલણમાં ભાજપ આગળ

હરિયાણા ચૂંટણીના અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપને સતત લીડ મળતી જોવા મળી રહી છે. ભાજપ 47 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 36 બેઠકો પર આગળ છે. આ સિવાય INLD બે અને અન્ય પાંચ બેઠકો પર આગળ છે. અત્યાર સુધીના વલણો મુજબ, ભાજપ 50 બેઠકો પર આગળ છે અને જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો તે રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં પક્ષનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે. કોંગ્રેસે 19 બેઠક પર વિજય મેળવી લીધો છે, જ્યારે ભાજપે 14 બેઠકો પર જીત હાંસલ કરી છે.

'હરિયાણાનું પરિણામ તંત્રની જીત, લોકતંત્રની હાર, EVMમાં છેડછાડ કરાઈ', કોંગ્રેસ નેતાના ગંભીર આરોપ 2 - image


Google NewsGoogle News