જેણે અપહરણ કર્યું એને છોડવા તૈયાર જ ન થયું બાળક, રડતો જોઇ મા-પિતા સહિત બધા થયા ભાવુક

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News

જેણે અપહરણ કર્યું એને છોડવા તૈયાર જ ન થયું બાળક, રડતો જોઇ મા-પિતા સહિત બધા થયા ભાવુક 1 - image

Jaipur Kidnap Child Case: રાજસ્થાનના જયપુરમાં બાળકના અપહરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે 14 મહિનાથી અપહરણકર્તા સાથે રહેલા બાળકને પોલીસે બહાર કાઢ્યો તો બંને એકબીજા માટે રડવા લાગ્યા. બાળક જ્યારે અપહરણકર્તાથી અલગ થવા તૈયાર ન હતો ત્યારે આરોપીની આંખોમાં પણ આંસુ હતા. 

શું છે સમગ્ર મામલો

આરોપીએ 14 જૂન 2023ના રોજ 11 મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું. બાળકની ઓળખ કુક્કુ ઉર્ફે પૃથ્વી તરીકે થઈ છે. આરોપી તનુજે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને પૃથ્વીનું અપહરણ કર્યું હતું. આ પછી પોલીસે આરોપીને પકડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, પોલીસે તેના પર 25,000 રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું પરંતુ કંઈ મળ્યું ન હતું. બાળક 14 મહિના સુધી અપહરણકર્તા પાસે રહ્યો. આ પછી પોલીસને ઇનપુટ મળ્યું કે, અપહરણકર્તાએ પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો. તેણે દાઢી વધારી છે અને સંત બન્યા છે અને મથુરા-વૃંદાવનના પરિક્રમા માર્ગ પર એક ઝૂંપડીમાં રહે છે. બાળક પણ તેની સાથે હતો જેને તે સાધુ બનાવીને ફરાવતો હતો.

14 મહિના સુધી બાળકની સંભાળ લીધી

મળતી માહિતી મુજબ, બાળક લગભગ 14 મહિનાથી આરોપી સાથે હતો. આ સમય દરમિયાન તેણે બાળકની ખૂબ કાળજી રાખી તેમજ બાળકને રમકડાં અને કપડાં પણ લઇ આપતો હતો. આ કારણે બાળક તેની સાથે એટલો અટેચ થઈ ગયો કે, બાળક આરોપીને છોડવા તૈયાર નહોતો. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીની ઓળખ તનુજ ચાહર તરીકે થઈ છે અને તે ઉત્તર પ્રદેશનો હેડ કોન્સ્ટેબલ હોવાનું કહેવાય છે જેને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસે તેની અલીગઢથી ધરપકડ કરી હતી.

કેવી રીતે પકડાયો આરોપી?

માહિતી મળતા જ પોલીસ વેશપલટો કરીને આરોપીના ઝૂંપડા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસના આગમનની તેને પહેલા જ ખબર પડી ગઈ હતી, જેના કારણે તે બાળકને ખોળામાં લઈને ખેતરમાં ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો અને 27 ઓગસ્ટે તેને બાળક સાથે પકડી પાડ્યો.

આરોપીની ધરપકડ બાદ પોલીસ આરોપીને જયપુર લાવી હતી. બાળકના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી, જ્યારે પોલીસે બાળકને માતાને સોંપવાનો પ્રયાસ કર્યો, ત્યારે બાળક અપહરણકર્તાને છોડવા તૈયાર ન હતો. તેણે તેને ગળે લગાડ્યો અને જોરથી રડવા લાગ્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે, આરોપી બાળકનો સંબંધી જ છે. તનુજ ચાહર આ બાળક અને તેની માતાને પોતાની સાથે જ રાખવા માંગતો હતો. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલ આરોપી બાળકની માતાનો પિતરાઈ ભાઈ છે. આરોપીનો દાવો છે કે, આ બાળક તેનું જ છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસ બાળકને લઈ જવાનો પ્રયાસ કરી રહી છે અને બાળક જોર જોરથી રડતો જોવા મળ્યો હતો, તે વ્યક્તિને વળગી રહ્યો હતો. બાળકને આ રીતે રડતો જોઈને તે વ્યક્તિ પણ રડવા લાગી. પોલીસે બળજબરીથી બાળકને આરોપી પાસેથી છોડાવ્યો અને તેને તેની માતા પાસે લઈ ગયો પરંતુ બાળક રડતો રહ્યો. માતા પાસે ગયા પછી પણ તે શાંત ન થયો.


Google NewsGoogle News