ધનિકોને જાળમાં ફસાવી પૈસા પડાવતી 'લૂટેરી દુલ્હન' ઝડપાઈ; એન્જિનિયર, વેપારી પણ ભોગ બન્યા
Looteri Dulhan: ધનિકોને જાળમાં ફસાવી પૈસા પડાવતી વધુ એક 'લૂટેરી દુલ્હન' ઝડપાઈ છે. જયપુર પોલીસે દેહરાદૂનમાંથી સીમા અગ્રવાલ ઉર્ફે નિક્કી નામની મહિલાની ધરપકડ કરી છે. સીમા તેના પતિઓને ખોટા અને ગંભીર આરોપોમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવતી હતી. દેહરાદૂનથી તેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને જયપુર લાવી અને અહીંની કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તેને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, મહિલા મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ધનિક લોકોને શોધતી હતી અને પછી તેમની સાથે લગ્ન કરતી હતી. ત્યારબાદ તેમના પર ગંભીર આરોપ લગાવી પૈસા પડાવતી હતી.
લગ્ન બાદ ગંભીર આરોપો લગાવી કેસ કરતી
જયપુરના મુરલીપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ સુનિલ કુમાર જાંગીડે જણાવ્યું કે, સીમા ઉર્ફે નિક્કી અગ્રવાલે આગરાના એક વેપારી, ગુરુગ્રામના સોફ્ટવેર એન્જિનિયર અને જયપુરના જ્વેલર સાથે લગ્ન કર્યા બાદ તેમની સામે ગંભીર આરોપો લગાવી કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ તેમની પાસેથી સેટલમેન્ટના નામે મોટી રકમ પડાવી લીધી હતી. આગરાના વેપારી સાથે લગ્ન કર્યા બાદ સીમાએ તેની સામે ગંભીર આરોપો હેઠળ FIR નોંધાવી અને સેટલમેન્ટના નામે તેની પાસેથી 75 લાખ રૂપિયા પડાવ્યા હતા.
જ્વેલરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ત્યારબાદ આ લૂટેરી દુલ્હને ગુરુગ્રામના એક સૉફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કર્યા. થોડા દિવસ બાદ તેમના પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને સેટલમેન્ટના નામે 10 લાખ રૂપિયા વસૂલ્યા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સીમા અગ્રવાલ તેના પતિઓ પર દહેજ ઉત્પીડન અને અકુદરતી સેક્સનો આરોપ લગાવીને FIR નોંધાવતી હતી. ત્યારબાદ તેણે જયપુરના એક જ્વેલર સાથે લગ્ન કર્યા. જોતવાડાના રહેવાસી જ્વેલરે મુરલીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણે મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા સીમાનો સંપર્ક કર્યો હતો અને ફેબ્રુઆરી 2023માં તેની સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: ખ્યાતિ કાંડ બાદ PMJAY-મા યોજના માટે નવી ગાઇડલાઇન જાહેર, મોડી-મોડી સરકારની ઉંઘ ઉડી
બિઝનેસ પાર્ટનર બનાવવા માટે દબાણ
લગ્નના થોડા મહિનાઓ પછી સીમાએ જ્વેલર પર તેને બિઝનેસ પાર્ટનર બનાવવા માટે દબાણ બનાવ્યું. જ્યારે જ્વેલરે ના પાડી ત્યારે સીમા તેની સાથે ઝઘડો કરી દેહરાદૂન જતી રહી અને પોતાની સાથે ઘરેણાં અને 25-30 લાખની રોકડ સાથે લઈ ગઈ. જ્યારે પોલીસે સીમાની હિસ્ટ્રી તપાસી ત્યારે તેમને શંકા ગઈ કારણ કે તે અગાઉ પણ આવી જ ઘટનાઓને અંજામ આપી ચૂકી હતી. ડીસીપી જયપુર પશ્ચિમ અમિત કુમારના નિર્દેશ પર સીમાનો ભાંડો ફોડવા માટે એક ટીમની રચના કરવામાં આવી હતી, જેણે ઓપરેશન લુટેરી દુલ્હનને અંજામ આપ્યો.
છૂટાછેડા લીધેલા હોય તેવા ધનિકોને નિશાન બનાવતી
મુરલીપુરા પોલીસ સ્ટેશનના અધિકારી સુનીલ કુમાર જાંગીડ અને સબ ઇન્સ્પેક્ટર વસુંધરાના નેતૃત્વમાં રચાયેલી ટીમ દહેરાદૂન ગઈ અને સીમા અગ્રવાલની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે સીમા છૂટાછેડા લીધેલા હોય તેવા ધનિકોને નિશાન બનાવતી હતી. તે તેમની સાથે લગ્ન કરતી અને થોડા દિવસો પછી તેની સામે દહેજ ઉત્પીડન અને અકુદરતી સંબંધોના ખોટા આરોપો લગાવીને કેસ દાખલ કરતી હતી. પછી તે સેટલમેન્ટના નામે પૈસા વસૂલતી હતી. તેના ત્રીજા લગ્નમાં તેણે તેના પતિ સાથે ઝઘડો કરી દાગીના અને રોકડ લઈ જતી રહી હતી. પૂછપરછ દરમિયાન સીમાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. જયપુર પોલીસે અપીલ કરી છે કે જો આવી ઘટના અન્ય કોઈ વ્યક્તિ સાથે બને તો તેણે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.