Get The App

જયપુરનો 'ભેજાબાજ' જ્વેલર, વિદેશી મહિલાને 300 રૂપિયાનું નકલી ઘરેણું 6 કરોડમાં વેચી માર્યું

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
જયપુરનો 'ભેજાબાજ' જ્વેલર, વિદેશી મહિલાને 300 રૂપિયાનું નકલી ઘરેણું 6 કરોડમાં વેચી માર્યું 1 - image


Jaipur Jeweler Cheats Foreign Woman: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક જ્વેલર પિતા-પુત્રએ એક અમેરિકી મહિલાને 300 રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી 6 કરોડ રૂપિયામાં વેચી મારી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, અમેરિકી નાગરિક ચેરિશે લગભગ બે વર્ષ પહેલા શહેરના ગોપાલજી રોડ પર આવેલી એક દુકાનમાંથી ખરીદવામાં આવેલી જ્વેલરી પર 6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખરીદતી સમયે દુકાનદારે મહિલાને હોલમાર્ક સર્ટિફિકેટ પણ આપ્યુ હતું, જેનાથી ઘરેણાંની શુદ્ધતા જાણી શકાય છે. 

ચેરિશે અમેરિકન એમ્બેસીને આ ઘટના અંગે જાણકારી આપી

ચેરીશ અમેરિકા પરત ફરી અને એક એક્ઝિબિશનમાં જ્વેલરી પ્રદર્શિત કરી જ્યાં તેને ખબર પડી કે તે જ્વેલરી નકલી છે. ત્યારબાદ તે જયપુર પરત ફરી અને જ્વેલર્સની દુકાન રામા રેડિયમ પર ગઈ અને દુકાનના માલિક ગૌરવ સોનીને નકલી જ્વેલરીની ફરિયાદ કરી. તેણે જ્વેલરીને તેની શુદ્ધતા ચકાસવા માટે અન્ય દુકાનોમાં પણ મોકલી, જ્યાં પરીક્ષણ બાદ તેની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ ચેરિશે અમેરિકન એમ્બેસીને આ ઘટના અંગે જાણકારી આપી.

પિતા-પુત્ર સામે FIR નોંધાઈ

18 મે ના રોજ રાજેન્દ્ર સોની અને તેના દીકરા ગૌરવ સોની સામે ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ મામલે મીડિયા સાથે વાત કરતા જયપુર પોલીસના DCP બજરંગ સિંહ શેખાવતે કહ્યું કે, પોલીસે ઘરેણાંને તપાસ માટે મોકલ્યા હતા તેમાં જાણ થઈ કે, ઘરેણાંમાં લગાવામાં આવેલા હીરા ચંદ્રમણિ હતા. ઘરેણાંમાં સોનાની માત્રા 14 કેરેટ હોવી જોઈએ પરંતુ તે પણ બે જ કેરેટ હતી. આરોપી જ્વેલર્સે પણ ફરિયાદ નોંધાવી હતી કે, મહિલા તેની દુકાનમાંથી ઘરેણાં લઈને ભાગી ગઈ છે પરંતુ જ્યારે અમે CCTV ફૂટેજની તપાસ કરી તો આ વાત ખોટી સાબિત થઈ. 

નકલી હોલમાર્ક સર્ટિફિકેટ આપનારની ધરપકડ

DCPએ જણાવ્યું કે, આ કેસમાં આરોપી જ્વેલર્સ ફરાર છે પરંતુ અમે નકલી હોલમાર્ક સર્ટિફિકેટ આપનાર નંદકિશોરની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ગૌરવ સોની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. અમેરિકાની આ મહિલાની ફરિયાદ બાદ પોલીસને બીજી ઘણી ફરિયાદો પણ મળી હતી જેમાં ગૌરવ સોની અને રાજેન્દ્ર સોની પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.

પીડિત ચેરિશે આ મામલે જણાવ્યું કે, ગૌરવ સોની અને તેના પિતા (રામ એક્સપોર્ટ્સના માલિક)એ મારી સાથે છેતરપિંડી કરી છે. તેઓએ મને 14 કેરેટને બદલે નવ કેરેટની સોનાની પ્લેટ મોકલી. તેઓએ મને સાચા હીરાને બદલે ફુલ મૂનસ્ટોન આપ્યો. લગભગ 10 અન્ય ડિઝાઈનર્સ તેમની છેતરપિંડીથી પ્રભાવિત છે, તેઓએ નકલી પ્રમાણપત્રો પણ આપ્યા, કંઈપણ અસલી નથી.


Google NewsGoogle News