આસારામને ફરી 17 દિવસની મળી પેરોલ, ટૂંક સમયમાં મુંબઈ જશે, જાણો કારણ
Asaram Case: યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. કોર્ટે આસારામને 15 દિવસની સારવાર અને 2 દિવસની મુસાફરીની છૂટ આપી છે. આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે. માહિતી પ્રમાણે આસારામ મહારાષ્ટ્રની માધવબાગ હૉસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે. હાલમાં તેમની સારવાર જોધપુરની આરોગ્ય હૉસ્પિટલમાં ચાલી રહી છે.
પેરોલ પર બહાર આવ્યા છે આસારામ
નોંધનીય છે કે આસારામની હાલમાં જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે ગત 10 નવેમ્બરે 30 દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા. તેમણે કોર્ટમાં સારવાર માટે પેરોલની માંગણી કરી હતી. આ પેરોલનો સમય મંગળવારે પૂરો થઈ રહ્યો હતો.
પેરોલની મુદત પૂરી થાય તે પહેલાં જ આસારામે પૂણેની માધો બાગ હૉસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માંગી હતી. આ મામલે જસ્ટિસ દિનેશ મહેતા અને વિનીત માથુરની બેંચે આસારામને માધો બાગ હૉસ્પિટલમાં સારવાર માટે 15 ડિસેમ્બરથી 17 દિવસ માટે પેરોલ આપ્યા છે.
મુંબઈ જશે આસારામ
રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા મળેલી પેરોલ બાદ આસારામ સારવાર માટે હવાઈ માર્ગે મહારાષ્ટ્ર જઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેમને અન્ય પ્રક્રિયાઓ માટે જોધપુર સેન્ટ્રલ જેલમાં જવાની જરૂર નહીં પડે.