Get The App

જયપુર અગ્નિકાંડ : ટેન્કર-ટ્રક અથડાતા 11 ભડથું થયા, 35ની હાલત ગંભીર

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
જયપુર અગ્નિકાંડ : ટેન્કર-ટ્રક અથડાતા 11 ભડથું થયા, 35ની હાલત ગંભીર 1 - image


- જયપુર-અજમેર હાઈવે પર એલપીજી ટેન્કર ટ્રક સાથે અથડાતા 40થી વધુ વાહનો ખાખ

- અકસ્માતમાં એલપીજી ટેન્કરના આઉટલેટ નોઝલને નુકસાન થતાં ગેસ લીકેજના કારણે આગ વધુ ભયાનક બની : ઉડતા પક્ષીઓ પણ સળગી ગયા  મૃતકોના પરિવારોને રાજ્ય સરકારની રૂ. 5 લાખ, ઈજાગ્રસ્તોને રૂ. 1 લાખ પીએમ સહાયમાંથી રૂ. 2 લાખ, રૂ. 50,000ની આર્થિક સહાય જાહેર

- આગ એટલી વિકરાળ હતી કે 1 કિ.મી. દૂરથી જોઈ શકાતી હતી, આકાશમાં ધૂમાડાના ગોટા છવાયા

જયપુર : રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર શુક્રવારે વહેલી સવારે એક એલપીજી ટેન્કર ટ્રક સાથે અથાડાતા ભયાનક આગના ગોળા સર્જાયા હતા, જેમાં ૧૧ લોકોનાં મોત થયા હતા અને ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૨૯ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ગણતરીની મિનિટોમાં ૪૦થી વધુ વાહનો ખાખ થઈ ગયા અને ઊડતા પક્ષી પણ મોતને ભેટયાં. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ. ૫-૫ લાખની આર્થિક સહાય જાહેર કરી છે. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે, જયપુર-અજમેર હાઈવે પર ભાંકરોટ ખાતે વહેલી સવારે ૫.૩૦ કલાકે એક સ્કૂલ સામે ધુમ્મસથી અંધકારભર્યા વાતાવરણમાં એક એલપીજી ટેન્કર યુ-ટર્ન લઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં એલપીજી ટેન્કરના આઉટલેટ નોઝલને નુકસાન  થતાં ગેસ લીક થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

ઘટનાની જાણ થતાં માનસરોવરથી ફાયર ટેન્ડર્સ રવાના કરાયા હતા. આ સિવાય રિજિઓનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના અધિકારીઓની ટીમ તથા ફોરેન્સિક લેબોરેટરીની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

કમિશનર જોસેફે કહ્યું કે, અકસ્માત સમયે ટેન્કરની પાછળ આવતા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. સામેની દિશામાંથી આવતા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે વાહન ચાલકોને બહાર નીકળવાની ભાગ્યે જ તક મળી. ઈજાગ્રસ્તોને જયપુરમાં ૨૫થી વધુ એમ્બ્યુલન્સમાં એસએમએસ હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલના ડૉ. મહેશ્વરીએ કહ્યું કે, ૪૩ લોકોને હોસ્પિટલ લવાયા હતા, જેમાં સાતને વેન્ટિલેટર પર રખાયા છે.

ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું કે, ૩૪ પ્રવાસીઓને લઈ જતી એક સ્લીપર બસ પણ અકસ્માતનો ભોગ બની હતી, જેથી બસના ૩૪ પ્રવાસીઓમાંથી ૨૦ દાઝી ગયા હતા જ્યારે ૧૪ પ્રવાસી અને ડ્રાઈવર અને કન્ડક્ટર લાપતા છે.

અકસ્માતની જાણ થતાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘટના સ્થળ પર દોડી ગયા હતા. રાજસ્થાન સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ૫-૫ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૧ લાખની સહાયની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે અને પૂર્વ મુખ્યમંત્રી અશોક સિંહ ગેલહોતે અકસ્માતનો ભોગ બનેલાકો લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારોને રૂ. ૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ની સહાય જાહેર કરી છે. પીએમ મોદીએ આ ઘટના અંગે મુખ્યમંત્રી ભજનલાલ સાથે વાતચીત પણ કરી હતી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

આ ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું કે, આગ એટલી ભયાનક હતી કે આકાશમાં કેટલાક ઉડતા પક્ષી પણ સળગી ગયા હતા, જેમના શબ ઘટના સ્થળ નજીક મળી આવ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે ગેસ ફેલાવા અને ધૂમાડાના કારણે લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી અને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. ઘટના સ્થળથી લગભગ એક કિ.મી. દૂરથી અગન જ્વાળા જોઈ શકાતી હતી. આકાશમાં ધૂમાડો છવાઈ ગયો હતો. કેટલાક ટ્રેલર, ટ્રક અને કન્ટેનર, બે બસ, બે પીકઅપ વાન અને બાઈક, ઓટો રિક્ષા અને સાત કાર સહિત ૪૦ જેટલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા.


Google NewsGoogle News