AIના યુગમાં ગજબની યાદશક્તિ, 34 વર્ષના જૈનમુનિ 1000 સવાલ સાંભળીને ક્રમબદ્ધ જવાબ આપશે

Updated: May 1st, 2024


Google NewsGoogle News
AIના યુગમાં ગજબની યાદશક્તિ, 34 વર્ષના જૈનમુનિ 1000 સવાલ સાંભળીને ક્રમબદ્ધ જવાબ આપશે 1 - image


Jain Monk's Memory Wonder: 'મગજમા ના યાદ રાખવા જેવી વાતો યાદ રાખવાથી મેમરી લોસ થાય છે. જ્યારે સાધનાના માધ્યમથી મેમરી હાઇ બને છે અને વિચારોમાં શુદ્ધતા આવે છે.' આ શબ્દો 34 વર્ષના જૈન મુનિ અજિતચંદ્ર સાગરજી મહારાજના છે કે જેઓ 1 મે ના રોજ મુંબઇમાં એન.એસ.સી.યુ.આઇ વર્લી ખાતે શ્રોતાઓના એક સાથે 1000 સવાલો સાંભળશે અને પછી ક્રમબદ્ધ જવાબ આપશે.  એક સાથે 1000 સવાલો મગજમાં સંગ્રહ રાખવાની કળા જાણનારાને સહસ્ત્રાવધાની કહેવામાં આવે છે. 

100 કેટેગરીના કુલ 1000 પ્રશ્નો પુછાશે

સવારે 8.30 વાગ્યાથી બપોરે 2.30 વાગ્યા સુધી હોલમાં એક કેટેગરીના 10 એવા જુદી જુદી 100 જેટલી કેટેગરીના 1000 સવાલો શ્રોતાઓ પૂછશે. એક સવાલ અને પછી જવાબ એમ કરવું બધા માટે શકય છે, પરંતુ વિશિષ્ટ ગણાતું સહસ્ત્રાવધાન ખૂબ દુલર્ભ હોય છે. આથી આ પ્રયોગના સાક્ષી બનવા માટે ન્યૂરોલોજિસ્ટસ, ન્યાયાધીશો, આઇએએસ- આઇપીએસ, પ્રોફેસર્સ, યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર, કોચિંગ કલાસના લેકચરર્સ, મોટિવેશનલ સ્પીકર્સ, વિદ્વાનો, બૌદ્વિકો અને ચિંતકો પણ હાજર રહેવાના છે. 

આ પ્રયોગ પ્રાચીન સમયની ગુરુ શિષ્ય પરંપરાની યાદ અપાવે છે 

કોઇ પણ વ્યકિત 5 થી 10 ટકા વસ્તુઓ જ એક સાથે યાદ રાખી શકે છે, પરંતુ એક સાથે 1000 વસ્તુઓને યાદ રાખવી અને તેને ફરીવાર ક્રમબદ્ધ રજૂ કરવી તે વિશ્વના બૌદ્વિકો અને પ્રબુદ્ધ લોકો માટે આશ્ચર્યજનક ઘટના છે. આ પ્રયોગ પ્રાચીન સમયમાં ગુરુ પોતાના શિષ્યને મુખપાઠ આપતા અને શિષ્ય પણ એક વાર સાંભળવા માત્રથી તે પાઠ યાદ કરી લેતા હતા એ ગુરુ શિષ્ય પરંપરાની યાદ અપાવે છે.

સહસ્ત્રાવધાની પ્રયોગમાં બ્રેઇન કોમ્પ્યૂટરની જેમ માહિતી સેવ કરે છે 

અજિતચંદ્ર સાગરજી મહારાજ 1000 શ્રોતાઓ દ્વારા કહેવામાં આવતી ગમે તે નંબરની વસ્તુ, ચિત્રો કે પાત્રો અંગે એક પણ નોટ, પેન, લેપટોપ કે કોમ્પ્યૂટરની મદદ વગર ક્રમબદ્ધ કહી શકશે. પ્રયોગ મુજબ કોઇ મેથેમેટિકસના અટપટ્ટા આંકડા જણાવશે, કોઇ ઐતિહાસિક પાત્રો કોઇ ચિત્રો કે કોઇ કહેવતો કે અવતરણો માત્ર એક જ વાર બોલીને બેસી જશે. આવી એક હજાર માહિતી ભેગી થયા પછી કોને શું કહયું હતું અને કેટલા ક્રમની વ્યકિતએ કઇ વાત કરી હતી તે મુનિ સડસળાટ જણાવશે. 

કોમ્પ્યૂટરમાં આપણે કોઇ પણ માહિતી સેવ કરી શકીએ છીએ એવી જ શકિત સહસ્ત્રાવધાની અજિતચંદ્ર સાગરજી મહારાજનું બ્રેઇન ધરાવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર માનવીનું મન જે કંઇ જુએ, વાંચે, સાંભળે કે વિચારે તેનો પ્રથમ સંગ્રહ જ્ઞાન મનમાં થાય છે. ત્યાંથી અજ્ઞાત મન કે અને પછી પ્રજ્ઞા કે ચિંતન કે જોએલો કે સાંભળેલો પદાર્થ સ્થિર થાય છે. સાધક વ્યકિત જોએલી,વાંચેલી, સાંભળેલી અને વિચારેલી વસ્તુને ચિત્તથી આગળ વધારીને આત્મામાં સ્થિર કરે છે જેને જૈન ધર્મમાં અવધારણ કે યાદ રાખવું કહેવામાં આવે છે.

ધ્યાન અને સાધના થકી 50 હજાર બાળકોનો મેમેરી પાવર વધ્યો

સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી આચાર્ય ભગવતશ્રીએ તેમજ ગુરુ ભગવંતે અત્યાર સુધીમાં 50,000થી વધુ બાળકોને સરસ્વતી માતાની સાધના કરાવેલી છે જેનો મુખ્ય ઉદ્દેશ આંતરિક શકિત, ધારણાશકિત અને સ્મૃતિશકિત તેજસ્વી બનાવવાનો છે. 

દરેકમાં રહેલી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવામાં આવે તો દરેક માનવી ઉર્જાનો પૂંજ હોય છે. તેઓ બે વર્ષમાં 5 લાખથી વધુ વિધાર્થીઓને સાધના દ્વારા મેમરી પાવર વધારવાની ઇચ્છા ધરાવે છે. દેશના યુવાનોમાં નૈતિક ગુણો વિકસે, આત્મ વિશ્વાસ વધે, અધ્યાત્મ તરફ ઝોક વધે તે માટે સાધના થકી બ્રેઇન પાવરનો વિકાસ થવો જરુરી છે.

મૌન, સાધના અને યોગના બળથી આંતરશક્તિ વિકસે છે

અજિતચંદ્ર સાગરજી મહારાજ કહે છે 'મુનિઓ માટે બહારની દુનિયાદારીની વાતોના સ્થાને ધાર્મિક અભ્યાસ, આગમોનું પઠન અને આગમના શબ્દો જ પાવર બને છે. મેં નાની ઉંમરે દીક્ષા લઇને સંયમમાર્ગ અપનાવ્યો હતો. દિવાલ સામે મોં રાખીને ધાર્મિક શ્લોકો કંઠસ્થ કરતા હતા ત્યારે ગુરુ શ્રી નયચંદ્રસાગર મહારાજે 3 દિવસ મૌન રહેવાની વાત કરી હતી. ત્યાર પછી મૌનનો મહિમા સમજાઇ જવાથી સળંગ 8 વર્ષ મૌન પાળ્યું હતું. આ મૌન પાળવાથી જ બ્રેઇનની શકિતઓ વિકસી હોવાનો અનુભવ થવા લાગ્યો હતો. મૌન, સાધના અને યોગના બળથી આંતર શકિતઓ વિકસે છે.

ધ્યાન અને મૌનના પ્રભાવથી હજારો પ્રશ્નો યાદ રાખી શકાય છે 

આ અંગે વાત કરતા જૈનધર્મના અભ્યાસુ અતુલભાઇ શાહ કહે છે 'સામાન્ય માનવી પોતાના જ્ઞાન મન વડે વસ્તુને સાંભળીને યાદ રાખી શકે છે. તેનાથી કંઇક મેઘા શકિત ધરાવતો માનવી 10 થી 15 વસ્તુ યાદ રાખી શકે છે પરંતુ તેનાથી વધુ વસ્તુ યાદ રાખવા જાય તો ક્રમ આડો અવળો થઇ જાય છે.

જો કે આત્મશકિત, ધ્યાન અને મૌનના સાધક અજિતચંદ્રસાગર મહારાજ અલગ અલગ વ્યકિતઓ દ્વારા એક સાથે પુછાયેલા સેકડો પ્રશ્નોનો ક્રમબદ્ધ જવાબ આપી શકે છે જે અદ્ભૂત અને અલૌકિક બાબત છે. તેઓ 6 થી ૯ વર્ષના હતા ત્યાર થી તેમનામાં આ શકિત જાગૃત થઇ હતી. કર્મનું આવરણ માણસની યાદશકિત ઘટાડે છે. બ્રેઇન પાવર જેટલો વાપરવામાં આવશે તેટલો જ વધે છે.

છ સદી પહેલાં બનેલી ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન 

જૈન ધર્મના પ્રખર અભ્યાસુ શ્રીમદ રાજચંદ્ર શતાવધાની હતા. શતાવધાની એટલે એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શકિત છે. એવી જ રીતે સહસ્ત્રાવધાનીએ એક સાથે ભૂલ્યા વિના ક્રમ મુજબ 1000 બાબત યાદ રાખવાની હોય છે. અગાઉ  અજિતચંદ્ર સાગરજી મહારાજે  વર્ષ 2008માં અમદાવાદમાં ટાઉનહોલ ખાતે શતાવધાન (100 પ્રશ્નો) તેમજ 2012માં મુંબઇના ષન્મુખાનંદ હોલમાં (200 પ્રશ્નો) અને 2018માં (500 પ્રશ્નો)ના જવાબ આપ્યા હતા. 

હવે તેનાથી આગળ વધીને 1000 અવધાન (1000 પ્રશ્નો)નો સામનો કરશે. જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ -2માં જણાવ્યા અનુસાર 16 મી સદી પહેલા સંતિકર સ્ત્રોતના રચયિતા ગણિ મુનિસુંદરજી મહારાજ દ્વારા રાજાના દરબારમાં એક સાથે એક હજાર સવાલોના જવાબ આપવાની ઘટના બની હતી. ત્યાર પછી આજ સુધી આટલા વર્ષોંમાં કોઇએ આવો કાર્યક્રમ કર્યો હોવાનો ઉલ્લેખ મળતો નથી.

AIના યુગમાં ગજબની યાદશક્તિ, 34 વર્ષના જૈનમુનિ 1000 સવાલ સાંભળીને ક્રમબદ્ધ જવાબ આપશે 2 - image



Google NewsGoogle News