જય શ્રી રામ, જય જય શ્રી રામ .
- રઘુપતિ રાઘવ રાજા રામ : અભિજીત મૂહુર્તમાં રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન
- અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પછી ભગવાન રામના પુનરાગમનનું સ્વાગત કરતાં દેશવાસીઓએ દિપ પ્રગટાવી 'દિવાળી' ઊજવી
- ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિત ભાજપના ટોચના નેતાઓએ દેશના વિવિધ મંદિરોમાં જીવંત પ્રસારણ નિહાળ્યું
- રામ મંદિર આંદોલનના નેતા સાધ્વી ઋતુભંરા, ઉમા ભારતી રડી પડયાં
- આર્મી હેલિકોપ્ટરથી મહેમાનો પર પુષ્પવર્ષા કરાઈ
અયોધ્યા : ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો નરેન્દ્ર મોદીનો સંકલ્પ ૩૨ વર્ષ અને ૭ દિવસે વડાપ્રધાન તરીકે તેમણે પૂરો કર્યો છે. આ સાથે માત્ર અવધ જ નગરી જ નહીં પરંતુ વિશ્વભરમાં જય શ્રી રામ જય જય શ્રી રામનો જયકાર થવા લાગ્યો હતો. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૪ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એક નવા યુગનો શંખનાદ કર્યો છે. આ પ્રસંગે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લાખો મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. વધુમાં સંધ્યા સમયે દેશવાસીઓએ '૫૫૦ કરતાં વધુ વર્ષના વનવાસ' પછી ભગવાન રામના પુનરાગમનની ઊજવણી કરતાં દિપ પ્રગટાવી 'દિવાળી'ની ઊજવણી કરી હતી.
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન અને રામ લલ્લાની નવી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે ૧૦.૨૫ કલાકે અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સરયુ નદી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નદીમાં સ્નાન કર્યું હતું. ત્યાર પછી પીએમ મોદી પૂર્વ દ્વારથી મંદિરમાં પ્રવેશ્યા હતા. પીએમ મોદી સરયુ નદીથી હાથમાં ચાંદીનું છત્ર લઈને ચાલતા રામ મંદિર પહોંચ્યા હતા.
વડાપ્રધાને મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલ્લાને સાષ્ટાંગ દંડવત કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સાથે પૂજા શરૂ કરી હતી. મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્યગોપાલ દાસ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ૮૪ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ પૂરી થયા પછી વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરના પ્રાંગણમાં હજારો આમંત્રિત મહેમાનોને સંબોધન કર્યું હતું. ત્યાર પછી તેમણે મંદિર નજીક કુબેર ટિલામાં ભગવાન શિવના મંદિરે શિવલિંગનો જળાભિષેક કરી અયોધ્યા યાત્રા પૂર્ણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૯૨માં અયોધ્યામાં ટેન્ટમાં રામ લલ્લાના દર્શન કરતી વખતે ભગવાન રામને ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે નહીં ત્યાં સુધી ફરી અયોધ્યા નહીં આવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ વડાપ્રધાન મોદીએ ૩૨ વર્ષને ૭ દિવસે પૂરો કર્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પૂરો થયા પછી રામ મંદિરની બહાર હાજર હજારો મહેમાનો પર આર્મી હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં હાજર ૧૨,૦૦૦થી વધુ આમંત્રિત સેલિબ્રિટીઓએ જયરામના જયઘોષથી વાતાવરણ ગજવી નાંખ્યું હતું. ભગવાન રામનો જયઘોષ કરનારા સેલિબ્રિટીઓમાં દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી, કુમાર મંગલમ બિરલા, આનંદ મહિન્દ્રા સહિતના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત, અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચહેરા એવા ભાજપના પૂર્વ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ અપાયું હતું. પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે આ આંદોલનના અન્ય મહત્વના ચહેરા એવા સાધ્વી ઋતુંભરા અને ઉમા ભારતી હાજર રહ્યા હતા. તેઓ મંદિર પરિસરમાં એકબીજાને ભેટી પડયા હતા અને રામ મંદિરની સ્થાપનાને સાર્થક જોતા ભાવાવેશમાં રડી પડયા હતા.
આ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રિત અંદાજે ૧૨૦૦૦ જેટલા સેલિબ્રિટીઓ સવારથી જ મંદિર પરિસરમાં પહોંચવા લાગ્યા હતા. વધુમાં કરોડો હિન્દુઓએ તેમના ઘરોમાં, આજુબાજુના મંદિરોમાં, થિયેટરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સહિત ભાજપના ટોચના નેતાઓ દેશના વિવિધ મંદિરોમાં હાજર રહ્યા હતા. અમિત શાહે દિલ્હીના બિરલા મંદિરમાં પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ સાથે સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ થયું હતું. પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થયા પછી દેશભરમાં રામભક્તોએ ઠેર ઠેર સરઘસ કાઢી 'જય જય શ્રીરામ'નો સૂત્રોચ્ચાર કર્યો હતો અને ઢોલ નગારા વગાડી પર્વની ઊજવણી કરી હતી. સંધ્યા સમયે દેશવાસીઓએ ઠેરઠેર દિપ પ્રગટાવી 'દિવાળી'ની ઊજવણી કરી હતી.
લોકસભા ચૂંટણીઓના કેટલાક મહિના પહેલાં જ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે વર્ષોથી તેના ચૂંટણી એજન્ડાના મહત્વના મુદ્દાઓમાં સામેલ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી, સીએએનો અમલ અને રામ મંદિરની સ્થાપના પૂરા કરી દીધા છે. હવે કરોડો હિન્દુઓની નજર કાશીમાં ભગવાન શિવના વિશ્વનાથ મંદિર તેમજ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની સ્થાપના પર છે.
હવે રામલલા ટેન્ટમાં નહીં પરંતુ દિવ્ય મંદિરમાં રહેશે
શબરી, નિષાદરાજ, ખિસકોલી, જટાયુના ઉદાહરણ ટાંક્યા
કાળચક્ર બદલાયું છે, હજારો વર્ષ પછી આપણા રાષ્ટ્ર નિર્માણને યાદ કરાશે : મોદી
સાગરથી સરયુ સુધી રામનામ છવાયેલું છે, ઉત્સવની આ ક્ષણ માટે અગણિત સંતો અને કારસેવકોના આપણે બધા ઋણી છીએ
સિયાવર રામચંદ્ર કી જય. આજે આપણા રામ આવી ગયા છે. રામ સદીઓની પ્રતિક્ષા પછી આવ્યા છે. આ પ્રસંગે મારો કંઠ રુંધાઈ ગયો છે. આ સમય નવા કાળચક્રનું ઉદ્ગમ છે. હવે રામલલ્લા ટેન્ટમાં નહીં પરંતુ દિવ્ય મંદિરમાં રહેશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આજે કાળચક્ર બદલાઈ રહ્યું છે. આપણી પેઢીને એક કાળજયી પથના શિલ્પકારના રૂપમાં પસંદ કરવામાં આવી છે. હજારો વર્ષ પછીની પેઢી રાષ્ટ્ર નિર્માણના આપણા આજના કાર્યોને યાદ કરશે.
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં બાળ સ્વરૂપ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજથી હજાર વર્ષ પછી પણ લોકો આજની તારીખ, આજની આ ક્ષણની ચર્ચા કરશે. આ કેટલી મોટી રામ કૃપા છે કે આપણે આ ક્ષણના સાક્ષી બન્યા છીએ અને રામ મંદિરને બની રહેલું જોઈ રહ્યા છીએ.
આ ક્ષણ માત્ર વિજયની ઊજવણી જ નહીં, વિનય બતાવવાની પણ છે
સાગરથી સરયુ સુધી દરેક જગ્યાએ રામનામ છવાયું છે. પ્રભુ રામ ભારતની અત્માના કણ-કણ સાથે સંકળાયેલા છે. આજે દેશ એ લોકોને પણ યાદ કરી રહ્યો છે જેમના કામ અને સમર્પણના કારણે આપણને આ શુભ દિવસ જોવા મળ્યો છે. એ અગણિત સંતો, કારસેવકોના આપણે ઋણી છીએ. આ જે આ ઉત્સવની ક્ષણ તેમના કારણે જ આવી છે. જોકે, આ ક્ષણ ભારતીય સમાજની પરિપક્વતાની, માત્ર વિજય નહીં, વિનયની પણ છે. તેમણે કહ્યું કે રામ મંદિર તો બની ગયું હવે આગળ શું કરશો?
રામની જેમ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ દેશના વિકાસનો આધાર બનશે
હવે આપણે દેશવાસીઓએ આ ક્ષણે જ સમર્થ, સક્ષમ, ભવ્ય દિવ્ય ભારતના નિર્માણની સોગંદ લેવાની છે. આપણી ચેતનાનો વિસ્તાર રામથી રાષ્ટ્ર સુધી કરવાનો છે. હનુમાનજીની સેવા અને સમર્પણ એવા ગુણ છે, જે આપણે બહાર ક્યાંય શોધવા નથી પડતા. પ્રત્યેક ભારતીયમાં ભક્તિ, સેવા અને સમર્પણના ભાવ ભારતના વિકાસનો આધાર બનશે. પ્રાચીન કાળથી દેશના દરેક ખૂણામાં લોકો રામના રસનું આચમન કરે છે.
આદિવાસી માતા શબરીનું નામ આવતા જ અપ્રતિમ વિશ્વાસ જાગી ઊઠે છે. માતા શબરી તો ક્યારથી કહેતા હતા કે રામ આવશે. પ્રત્યેક ભારતીયમાં જન્મેલો આ વિશ્વાસ ભવ્ય ભારતનો આધાર બનશે. આ જ તો છે રામથી રાષ્ટ્રની ચેતનાનો વિસ્તાર. આજે કોઈ પોતાને સામાન્ય માનતું હોય તો તેણે રામ સેતુમાં ખિસકોલીના યોગદાનને યાદ કરવું જોઈએ. નાના-મોટા દરેક પ્રયત્નની તેની તાકાત હોય છે.
લંકાપતિ રાવણ મહાજ્ઞાાની હતા, પરાક્રમી હતા. પરંતુ તમે જટાયુને જૂઓ. તેને ખબર હતી કે તે રાવણને હરાવી નહીં શકે. તેમ છતાં તે રાવણ સામે લડયા. આ સાહસ ભારતના નિર્માણનો આધાર બનશે. વડાપ્રધાને યુવાનોને રામ પ્રત્યેના સમર્પણને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ સાથે જોડી દેવાનો સંકલ્પ અપાવ્યો. આ ભારતના વિકાસનો અમૃતકાળ છે. આજે ભારત યુવા શક્તિથી ભરેલો છે.
રામ વિવાદ નહીં સમાધાન, નિર્માણ આગ નહીં, ઊર્જાને જન્મ આપે છે
વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, એક સમયે કેટલાક લોકો કહેતા કે રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગી જશે. આવા લોકો ભારતના સામાજિક ભાવની પવિત્રતા નથી જાણી શક્યા. તેમને ખબર નથી કે રામ આગ નહીં ઊર્જા છે. રામ વિવાદ નહીં સમાધાન છે. અનેક દેશોએ ઈતિહાસની ગાંઠ ખોલવાનો પ્રયત્ન કર્યો તો પરિસ્થિતિઓ વધુ જટિલ થઈ ગઈ. પરંતુ ભારતે જે પરિપક્વતા સાથે માત્ર ઈતિહાસની આ ગાંઠ માત્ર ખોલી જ નથી, પરંતુ ઉકેલી છે. આ બાબત દર્શાવે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગશે તેવું કહેવાવાળાને હું કહેવા માગું છું કે આવો અનુભવો, રામ આગ નહીં ઊર્જા છે. નિર્માણ ક્યારેય કોઈ આગ નહીં પરંતુ ઊર્જાને જન્મ આપે છે. રામ માત્ર અમારા નહીં બધાના છે. રામ અનંત છે. રામ વ્યાપક છે. રામ રાષ્ટ્રની ચેતના છે. ભારતની પ્રતિષ્ઠા છે.
હું પ્રભુ શ્રી રામની ક્ષમા માગું છું : મોદી
- પ્રાણ પ્રતિષ્ઠાની આ ક્ષણ અલૌકિક અને પવિત્ર છે.
- આજે હું પ્રભુ શ્રી રામની ક્ષમા યાચના પણ કરું છું.
- આપણા પુરુષાર્થ, તપસ્યામાં ક્યાંક ખામી રહી ગઈ હશે. આ કારણોથી જ આટલી સદીઓ સુધી મંદિરનું નિર્માણ થઈ શક્યું નહીં.
- આજે આ ખામી દૂર થઈ ગઈ છે.