પુરી જગન્નાથના મંદિરનો ખજાનો ચોરાયો? રત્ન ભંડારની નકલી ચાવીઓનું ઘેરાયું રહસ્ય
Image Twitter |
Puri Jagannath Temple : પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાંથી કિમતી સામનાની ચોરી થઈ છે તેવા અહેવાલો સામે આવ્યા છે. હકીકતમાં આ રત્ન ભંડારની દેખરેખ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીના એક સભ્યે આ શંકા વ્યક્ત કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, અગાઉ કિંમતી સામાન ચોરી કરવા માટે નકલી ચાવીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પેનલના અધ્યક્ષ વિશ્વનાથ રથની અધ્યક્ષતામાં સોમવારે પુરીમાં એક બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સમિતિના સભ્ય જગદીશ મોહંતીએ આ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, મોહંતીએ મીટિંગ પછી કહ્યું, 'નકલી ચાવીઓથી તાળાં ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તાળાં ન ખુલતા આખરે તાળાં તોડી નાખવામાં આવ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કિંમતી સામાનની ચોરી કરવાનો ઈરાદો હતો. નકલી ચાવીઓનો મુદ્દો એક છેતરપિંડી હતી, કારણ કે ચોરી કરવાની કોશિશને નકારી ન શકાય.'
પ્રશાસન દ્વારા બે નકલી ચાવીઓ બનાવવામાં આવી હતી
હકીકતમાં વર્ષ 2018 માં આ રત્ન ભંડારની અસલી ચાવીઓ ખોવાઈ ગઈ હતી. ત્યાર બાદ પુરી પ્રશાસન દ્વારા બે નકલી ચાવીઓ બનાવવામાં આવી હતી. જો કે, જ્યારે 14 જુલાઈના રોજ રત્ન ભંડાર ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે આ ચાવીઓ કામ ન લાગી. તે પછી સમિતિના સભ્યોએ રત્ન ભંડારની અંદરના રુમના ત્રણેય તાળા તોડવા પડ્યા હતા.
નિવૃત્ત IAS અધિકારીએ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો
આ અંગે નિવૃત્ત IAS અધિકારી મોહંતીએ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, સમિતિ પાસે સરકારને ફોજદારી તપાસ શરૂ કરવાની ભલામણ કરવાની કોઈ અધિકાર કે સત્તા નથી. મોહંતીએ કહ્યું, 'મંદિર વહીવટીતંત્ર સરકારને અમારી શંકાઓ વિશે કહી શકે છે.
14 જુલાઈએ અંદરના રુમમાં કેટલાક બોક્સ ખુલ્લા મળ્યા હતા
નિવૃત્ત IAS અધિકારી મોહંતીએ ખુલ્લા બોક્સ વિશે વાત કરતાં કહ્યું કે, ગત 14 જુલાઈએ અંદરના રુમમાં કેટલાક બોક્સ ખુલ્લા મળ્યા હતા. અંદરના ઓરડામાં લાકડાના ત્રણ તીજોરીઓ, એક સ્ટીલનું અલમારી, બે લાકડાની કોઠી અને એક લોખંડની કોઠી હતી. મંદિર વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર એક લાકડાનું કબાટ બંધ જોવા મળ્યું હતું બાકીના ખુલ્લા હતા.
પીએમ મોદીએ પણ અગાઉની બીજેડી સરકારને આડે હાથે લીધી હતી
11 મેના રોજ ઓડિશામાં એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ નકલી ચાવીઓને લઈને અગાઉની બીજેડી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ પૂછ્યું હતું કે, 'અસલી ચાવીઓ ગુમ થવી એ ખૂબ ગંભીર બાબત છે, અને નકલી ચાવીઓ હોવી તે વધુ ચિંતાજનક છે. શું નકલી ચાલીઓનો ઉપયોગ કરીને ભગવાનના આભૂષણો પડાવી લેવા કર્યો હતો?'