કેમ બંધ હતા જગન્નાથ મંદિરના ત્રણ દ્વાર, ભાજપે સરકાર બનાવતા જ સૌથી પહેલા કપાટ ખોલાવ્યા
Image Source: Twitter
Jagannath Puri Temple Gates: પુરીના જગન્નાથ મંદિરના ચારેય દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં મંદિરના તમામ કપાટ ખોલવાનું વચન આપ્યું હતું અને હવે નવી ચૂંટાયેલી સરકારે ચારેય દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. હવે મંદિરમાં જનારા ભક્તો ચારેય દ્વારથી મંદિરમાં પ્રવેશ કરી શકશે. નવી સરકાર દ્વારા ચારેય કપાટ ખોલ્યા બાદ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે રહસ્યોથી ભરેલા જગન્નાથ મંદિરના આ દરવાજા પહેલા કેમ બંધ રાખવામાં આવ્યા હતા અને આ દરવાજા ખુલ્યા બાદ શું ફેરફાર થશે.
કુલ કેટલા દ્વાર?
જગન્નાથ મંદિરમાં ચાર પ્રવેશદ્વાર છે. જેના નામ સિંહ દ્વાર, અશ્વ દ્વાર, વ્યાઘ્ર દ્વાર અને હસ્તિ દ્વાર છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જગન્નાથ મંદિરના આ બધા દ્વાર હંમેશા બંધ નથી રહેતા. આ દ્વાર થોડા વર્ષો પહેલા જ બંધ કરવામાં આવ્યા અને હવે તેને ફરીથી ખોલવામાં આવ્યા છે. હાલમાં ચાર દરવાજામાંથી ત્રણ દરવાજા બંધ છે અને એક દરવાજો ભક્તોની એન્ટ્રી અને એક્ઝિટ માટે ખુલ્લો છે. જે દ્વારથી હાલના સમયે ભક્તો એન્ટ્રી અને એક્ઝિટ કરી રહ્યા હતા તે 'સિંહ દ્વાર' છે.
ક્યારે બંધ કરવામાં આવ્યા હતા ત્રણ દ્વાર?
જગન્નાથ મંદિરના ત્રણ દ્વાર વર્ષ 2019માં કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવ્યા હતા. તેને બંધ કરવાનો હેતુ ભીડને નિયંત્રિત કરવાનો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો હતો. આવી સ્થિતિમાં ચારેય દ્વારથી થતી એન્ટ્રીને એક ગેટ સુધી મર્યાદિત કરી દેવામાં આવી હતી જેથી ભીડને નિયંત્રિત કરી શકાય અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય.
વર્ષ 2019થી આ દ્વાર બંધ હતા અને ભાજપે ચૂંટણી પહેલા આ દરવાજા ખોલવાનું વચન આપ્યું હતું. આ પાંચ વર્ષ દરમિયાન આ દ્વાર ખોલવા માટે ઘણી વખત માગ કરવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે, એક જ દ્વારથી એન્ટ્રી મળવાના કારણે દર્શન માટે ઘણી રાહ જોવી પડે છે.
આ ચાર દ્વારની કહાની શું છે?
સિંહ દ્વાર- આ ચારેય દ્વાર ચાર દિશામાં છે અને આ ચાર દ્વારના નામ પ્રાણીઓ પર રાખવામાં આવેલ છે. સિંહ દ્વાર મંદિરની પૂર્વ દિશામાં છે, જેનું નામ સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરમાં પ્રવેશવા માટે આ મુખ્ય દ્વાર છે અને તેને મોક્ષ દ્વાર પણ કહેવામાં આવે છે.
વ્યાઘ્ર દ્વાર - આ દ્વારનું નામ વાઘના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને આકાંક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. આ દ્વાર પશ્ચિમ દિશામાં છે અને આ દ્વારથી સંતો અને વિશેષ ભક્તો પ્રવેશ કરે છે.
હસ્તિ દ્વાર- હસ્તિ દ્વારનું નામ હાથીના નામ પરથી રાખવામાં આવ્યુ છે અને તે ઉત્તર દિશામાં છે. હાથીને ધનની દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે અને તે લક્ષ્મીનો પ્રતીક છે. એવું કહેવાય છે કે આ દ્વારની બંને બાજુ હાથીઓની આકૃતિઓ છે, જેને મુગલ કાળમાં ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી હતી.
અશ્વ દ્વાર- અશ્વ દ્વાર દક્ષિણ દિશામાં છે. તેને વિજયનો દ્વાર પણ કહેવામાં આવે છે અને જીતની કામના માટે યોદ્ધા આ દ્વારનો ઉપયોગ કરતા હતા.