આંધ્ર પ્રદેશમાં ભાઈ-બહેનની રાજકીય લડાઈ, શું આવશે પરિણામ તેના પર સૌની નજર
Image Source: Twitter
Jagan Mohan Reddy vs Sharmila Reddy: આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવા જઈ રહી છે. રાજ્યમાં આ વખતે સત્તા હાંસલ કરવાની લડાઈ પિતાનો વારસો સંભાળવા માટે પરિવારની અંદર જ લડાઈ લડવામાં આવી રહી છે. રાજ્યની કડપા બેઠક પરથી સીએમ અને વાયએસઆર કોંગ્રેસ પ્રમુખ જગન મોહન રેડ્ડીએ પોતાના પિતરાઈ ભાઈ વાય. એસ. અવિનાશ રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે રેડ્ડીની સામે જગન મોહનની સગી બહેન વાય.એસ. શર્મિલાને ટિકિટ આપીને મુકાબલો રસપ્રદ બનાવી દીધો છે. શર્મિલા હાલમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પણ છે. રાજકીય નિષ્ણાતો આ સ્થાનિક બેઠક પરના મુકાબલાને પારિવારિક વારસો અને વર્ચસ્વની લડાઈ ગણાવી રહ્યા છે. આ બેઠક પર હાલમાં જગન મોહન રેડ્ડીના નજીકના ગણાતા અવિનાશ સાંસદ છે. આમ આંધ્ર પ્રદેશમાં ભાઈ-બહેનની રાજકીય લડાઈમાં સૌ કોઈની નજર પરિણામ પર છે.
આંધ્ર પ્રદેશમાં જો કોઈ સૌથી રસપ્રદ ચૂંટણી મેદાન હોય તો તે છે કડપા બેઠક. રાજ્યના પૂર્વ સીએમ વાયએસ રાજશેખર રેડ્ડીના મૂળ જિલ્લો કડપા હવે તેમના નામ પરથી વાયએસઆર કડપા કહેવાય છે. આજે આ કડપા તેમના પુત્ર જગન અને પુત્રી શર્મિલા વચ્ચે તેમના રાજકીય વારસા માટે લડાઈનો અખાડો બની ગયો છે. આ ચૂંટણીમાં ભાઈ-બહેનો અલગ-અલગ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ લડાઈનો અસલી અખાડો કડપા જ રહ્યો છે. શર્મિલા કોંગ્રેસની ટિકિટ પર કડપા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહી છે, જ્યારે તેમના ભાઈ જગનમોહન રેડ્ડી કડપા સંસદીય ક્ષેત્રમાં પુલીવેંદુલા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કડપાની આ લડાઈમાં માત્ર આ બે ભાઈ-બહેનો જ નહીં પરંતુ YS પરિવાર તેમાં વહેંચાઈ રહ્યું છે. શર્મિલા તેમના પિતરાઈ ભાઈ અવિનાશ રેડ્ડી સામે ચૂંટણી લડી રહી છે, જેઓ વાયએસઆર કોંગ્રેસના હાલમાં સાંસદ તો છે જ પરંતુ જગન મોહન તેમને સંપૂર્ણ સમર્થન કરી રહ્યા છે.
હત્યાનો મુદ્દો કેન્દ્રમાં
વાયએસઆર રેડ્ડીના પિતરાઈ ભાઈ અને પૂર્વ સાંસદ વિવેકાનંદ રેડ્ડીની હત્યાનો મુદ્દો કેન્દ્રમાં છે. શર્મિલા જ્યાં આ અંગે જગનમોહન સરકારને ઘેરી રહી છે તો બીજી તરફ તેઓ પોતાના પ્રતિસ્પર્ધી અવિનાશને પણ વિવેકાનંદ હત્યાકાંડ અંગે ઘેરી રહી છે. આ હત્યામાં અવિનાશનું નામ સામે આવ્યું છે. આ લડાઈમાં વિવેકાનંદ રેડ્ડીની પુત્રી સુનીતા અને તેમના પતિ રાજશેખર રેડ્ડી પણ સાથે છે, જેઓ તેને ન્યાયની લડાઈ ગણાવી રહ્યા છે. કડપામાં જગનને ઘેરવા માટે તેની બહેન સહિત સમગ્ર વિપક્ષ એકઠા થયા હોય તેવું લાગે છે. આ મુકાબલો ત્રિકોણીય છે. કોંગ્રેસમાંથી શર્મિલા, વાયએસઆર કોંગ્રેસમાંથી અવિનાશ અને ટીડીપીમાંથી ચંદીપિરાલા ભૂપેશ રેડ્ડી. એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભૂપેશે શર્મિલાને જીતાડવા માટે પ્રચાર ધીમો કરી દીધો છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે TDPની સાથે-સાથે સીપીઆઈ અને સીપીએમ જેવા લેફ્ટ પક્ષો પણ શર્મિલાને આ વખતે આંતરિક સમર્થન આપી રહ્યા છે. જેઓ ગત વર્ષે અહીંથી એક-એક પર્સેન્ટ મત લઈ ગયા હતા. કોંગ્રેસ વાયએસઆર કોંગ્રેસને આંતરિક સમર્થનનો પણ દાવો કરી રહી છે.
આંધ્ર પ્રદેશના હાઈપ્રોફાઈલ વિસ્તાર પુલિવેંદુલા જે સીએમ જગન મોહન રેડ્ડીનો વિધાનસભા મતવિસ્તાર છે. અહીંથી જીતીને તેઓ પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા. પુલિવેંદુલા માત્ર તેમનું જ કર્મક્ષેત્ર નથી પરંતુ તેમના પિતા વાયએસઆરની જન્મભૂમિ અને કર્મભૂમ પણ રહી છે. જગનના માતા વિજયમ્મા પણ અહીંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. પુલિવેંદુલાના આ વિસ્તારે બે-બે મુખ્યમંત્રી આપ્યા છે. વાયએસઆર પરિવાર માટે અહીં જબરદસ્ત ક્રેઝ અને પ્રેમ છે. આ વખતે આ જ પુલિવેંદુલા અને કડપામાં થોડી નારાજગી પણ દેખાઈ રહી છે. પુલિવેંદુલા ડ્રિપ ઈરિગેશન દ્વારા થતા હાર્ટિકલ્ચરનું કેન્દ્ર છે. પરંતુ હાર્ટિકલ્ચર કામગીરી સાથે સંકળાયેલા ખેડૂતોમાં નારાજગી છે. પુલિવેંદુલા કેળા, પપૈયા, તરબૂચ, દાડમ, ટામેટા અને મરચા જેવા રોકડીયા પાકો ડ્રિપ ઈરિગેશન દ્વારા ઉગાડે છે. ખેડૂતો નારાજ છે કે ચંદ્રબાબુની સરકાર સુધી તેમને ડ્રિપ ઈરિગેશન પર મળતી સબસિડી જગનમોહને સત્તામાં આવતાની સાથે જ બંધ કરી દીધી છે.