યુનિવર્સિટીએ લોચો માર્યો, એડમિટ કાર્ડ ઈશ્યૂ કર્યા બાદ પરીક્ષા યોજવાનું જ ભૂલી ગઈ, વિદ્યાર્થીઓ ભડક્યાં
યુનિવર્સિટીએ 20 દિવસ પહેલા શેડ્યુલ જાહેર કર્યું હતું
Image:File Photo |
Madhya Pradesh News : વિદ્યાર્થીઓ પરીક્ષાની તારીખો ભૂલી જતા હોય છે એવું તો ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય કે કોઈ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો ભૂલી ગઈ હોય. મધ્ય પ્રદેશથી એક એવો ચોંકાવનારો અને રસપ્રદ મામલો સામે આવ્યો છે જ્યાં એક યુનિવર્સિટીએ થોડા દિવસ પહેલા પરીક્ષાનું શેડ્યુલ જાહેર કર્યું હતું અને પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ બહાર પડ્યા હતા, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરવાનું જ ભૂલી ગઈ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ પહોંચ્યા, ત્યાં સુધી ન તો પરીક્ષાની તૈયારી કરાઈ હતી, ન પ્રશ્નપત્ર તૈયાર હતું.
યુનિવર્સિટીએ 20 દિવસ પહેલા શેડ્યુલ જાહેર કર્યું હતું
આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલી રાની દુર્ગાવતી યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટીએ લગભગ 20 દિવસ પહેલા એમએસસી કોમ્પ્યુટર સાયંસ પ્રથમ સેમેસ્ટરનું શેડ્યુલ જાહેર કર્યું હતું. તે પછી વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ પણ આપી દેવાયા હતા. પરીક્ષા પાંચમી માર્ચના રોજ આયોજિત થવાની હતી પરંતુ જયારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા તો યુનિવર્સિટીએ પરીક્ષા કરાવવા માટે કોઈ તૈયારી જ કરી ન હતી.
આંખ પર કાળી પટ્ટી બાંધીને બેદરકારીનો વિરોધ
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ મંગળવાર, પાંચમી માર્ચથી યોજાનારી પરીક્ષા માટે એડમિટ કાર્ડ આપવામાં આવ્યા હતા. મંગળવારે સવારે જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે પરીક્ષા નહીં થાય અને યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર પણ તૈયાર કર્યા નથી. યુનિવર્સિટીની આ બેદરકારીને લઈને એનએસયુઆઈના કાર્યકરો યુનિવર્સિટીના કુલપતિને મળવા પહોંચ્યા હતા, જ્યાં એનએસયુઆઈના કાર્યકરોએ આંખ પર કાળી પટ્ટી બાંધીને યુનિવર્સિટીની બેદરકારીનો વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
વાઈસ ચાન્સેલરે આપ્યા તપાસના આદેશ
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે વિભાગના વડાઓ સાથે બેઠક યોજી વિદ્યાર્થીઓને મળ્યા હતા. વાઈસ ચાન્સેલરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે, તપાસ બાદ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.