મસ્જિદોમાં ભીડ ન કરો, કોરોનાના નિયમોનું પાલન કરો.. બકરીઈદને લઈ ઈત્તેહાદ ઉલેમા-એ-હિંદની વિનંતી
- કુરબાનીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવાની પણ ના પાડી કારણ કે શરીયતમાં તેની મંજૂરી નથી
નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2021, સોમવાર
ઈત્તેહાદ ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના કારી મુસ્તફા દેહલવીએ મુસલમાનોને ઈદ ઉલ અજહા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા વિનંતી કરી છે. તેમણે વિનંતી કરતા કહ્યું હતું કે, ઈદ ઉલ અજહાના પ્રસંગે કોરોના વાયરસથી બચવા અને તેને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જોઈએ.
વધુમાં જણાવ્યું કે, કુરબાની સમયે આપણે ધ્યાન રાખવું જોઈએ કે તે ખુલ્લી જગ્યાએ ન આપવામાં આવે તથા ભારત સરકાર અને શરીયત દ્વારા જે જાનવરોની કુરબાનીની મંજૂરી આપવામાં આવી છે તેમને જ કુરબાન કરવામાં આવે. આ ઉપરાંત તેમણે કુરબાનીનું માંસ સગાસંબંધીઓને વહેંચવા એક શહેરથી બીજા શહેર લઈ જવાની પણ ના પાડી હતી.
વધેલો ભાગ ખુલ્લામાં ન ફેંકવો
મૌલાનાએ જણાવ્યું હતું કે, સફાઈ એ ઈમાનનો હિસ્સો છે માટે તેનું વિશેષ ધ્યાન રાખો. સાથે જ જાનવરોનો જે હિસ્સો બચે તેને નગરપાલિકાની ગાડીઓમાં જ નાખો, કોઈ ખુલ્લી જગ્યાએ ન ફેંકો જેનાથી વાતાવરણ બગડવાનો ડર સર્જાય કે કોઈને નુકસાન પહોંચે. આ ઉપરાંત તેમણે કુરબાનીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવાની પણ ના પાડી હતી કારણ કે શરીયતમાં તેની મંજૂરી નથી.
ગરીબોનું ધ્યાન રાખો
તેમણે સૌને પોતપોતાના વિસ્તારોમાં ગરીબોનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. સાથે જ આપણો દેશ અને સમગ્ર વિશ્વ આ મહામારીમાંથી બહાર આવે તે માટે દુઆ કરવા જણાવ્યું હતું.
મસ્જિદોમાં ભીડ ન કરો
તેમના કહેવા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી મસ્જિદો, મદરેસાઓમાં ભીડ ન જમાવો. ટોળા બનાવીને રસ્તાઓ પર ફરશો નહીં અને રસ્તાઓ, ચાર રસ્તે ભીડ ન જમાવશો. યુવાનો ગાડી કે બાઈક લઈને રસ્તાઓ પર ન નીકળે અને માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરે. સાથે જ તેમણે નેતાઓ અને સામાજીક કાર્યકરોને સામાન્ય જનતાને સમજાવવા કહ્યું હતું.