'જ્ઞાનવાપીના નિર્ણયથી કોર્ટ પરથી ભરોસો ઘટ્યો, ત્યાં મસ્જિદ છે', મુસ્લિમ પર્સનલ લો બોર્ડના રહમાનીનું નિવેદન
નવી મુંબઇ,તા. 2 ફેબ્રુઆરી 2024, શુક્રવાર
દેશમાં એક બાદ એક મોટા વિવાદાસ્પદ કેસોનો નિવેડો આવી રહ્યો છે. ખાસ કરીને ધર્મ અને આસ્થાને લગતા ન્યાયતંત્રમાં અટકેલા કેસોનો નિકાલ આવી રહ્યો છે. રામ જન્મભૂમિ-બાબરી કેસ બાદ જ્ઞાનવાપી, મથુરા, કાશી, કુતુબ મિનાર સહિતના અનેક સ્મારકોના મુદ્દા પણ કાયદાકીય આંટીઘૂટીમાં અટવાયેલા છે. તાજેતરમાં જ વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. હવે આ મામલે વિવાદ ઉભા થઈ રહ્યાં છે.
ASIના રિપોર્ટ પરથી કોર્ટને જાણવા મળ્યું કે આ સ્થળ હિન્દુ પક્ષકારોની હોઈ શકે છે તેથી કોર્ટે અરજીની સુનાવણીમાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજાની પરવાનગી પર મુસ્લિમ પક્ષે નારાજગી વ્યક્ત કરી છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કોર્ટના નિર્ણય પર જ સવાલ ઉઠાવીને આ નિર્ણયની ટીકા કરી છે.
કોર્ટના ચુકાદા પર ઉઠ્યા પ્રશ્નો :
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સૈફુલ્લાહ રહેમાનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોર્ટે કયા રસ્તે ચાલી રહી છે, ખબર જ નથી પડી રહી. આ પ્રકારના નિર્ણય અને મંજૂરીથી લોકોનો ન્યાયતંત્ર પરનો જ વિશ્વાસ ઉઠી રહ્યો છે. અનેક કાયદા નિષ્ણાતોનું પણ આ માનવું છે.
તેમણે ગઈકાલની ઘટનાને નિરાશાજનક ગણાવી હતી. ત્યાં એક મસ્જિદ છે. આ પ્રકારના નિર્ણયથી 20 કરોડ મુસ્લિમો અને તમામ ન્યાયપ્રેમી નાગરિકોને આઘાત લાગ્યો છે. મુસલમાનો હાલ ખેદ અનુભવી રહ્યાં છે. તેમણે કહ્યું, 'આપણે તારીખના ઐતિહાસિક સત્યને સમજવું જોઈએ. અંગ્રેજોએ આ દેશમાં આવીને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. 1857માં તેમણે જોયું કે ભગવાનના ભક્ત અને અલ્લાહની ઈબાદત કરનારા બંને કોમના લોકો આ દેશમાં એકતા સાથે જીવે છે. આ જોઈને તેમણે બે સમુદાયો વચ્ચે વિભાજન એટલે કે તેમની વચ્ચે અંતર ઉભું કરવાનું કામ કર્યું.
અમને તક જ ન આપી :
રહેમાનીએ વધુમાં કહ્યું, 'જો મુસલમાનોના વિચાર અન્ય કોઈના પૂજા સ્થળો પર બળજબરીથી કબજો કરવાનો હોત તો શું આટલા મંદિરો અસ્તિત્વમાં હોત? કોર્ટે જે ઉતાવળથી પોતાનો નિર્ણય લીધો, પૂજાને મંજૂરી આપી અને સામેના પક્ષકારને પોતાનો કેસ રજૂ કરવાની તક પણ ન આપી તેના કારણે ન્યાય આપતી અદાલતો પરનો વિશ્વાસ ઘટી ગયો છે.
બાબરી મસ્જિદના નિર્ણયમાં પણ કોર્ટે સ્વીકાર્યું હતું કે મસ્જિદની નીચે કોઈ મંદિર નથી પરંતુ એક વર્ગની આસ્થાને ધ્યાનમાં રાખીને તેના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો હતો.
સૈફુલ્લા રહેમાનીએ કહ્યું કે જ્ઞાનવાપી અને કોઈપણ મસ્જિદ વિશે જે કહેવામાં આવે છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે તે ખોટું છે. ઈસ્લામમાં ક્યારેય છીનવીને લીધેલ જમીન પર મસ્જિદ ન બનાવી શકાય. પ્રથમ જે મસ્જિદ બનાવવામાં આવી હતી તે પણ ખરીદી લેવામાં આવી હતી.