મહારાષ્ટ્રમાં એક સાંધો અને તેર તૂટેની સ્થિતિ, છગન ભુજબલ થયા નારાજ, 40 વર્ષથી પાર્ટીમાં છું અને હવે.....
Image: X
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં જેટલા રસપ્રદ વળાંક અને ઘટનાક્રમ કેન્દ્ર સરકાર કે અન્ય પ્રદેશમાં આવ્યા હશે તેનાથી વધુ માત્ર મહારાષ્ટ્ર એકમાત્રમાં આવ્યા છે. ભાજપ-શિવસેનામાં તૂટ, મહાવિકાસ અઘાડીની સરકાર, અજિત પવારનો બળવો, ભાજપની બળવાખોરોના સપોર્ટવાળી સરકાર, ફરી અઘાડી સરકાર અને પછી શિવસેનાની સાથે NCPમાં તોડફોડ, બંનેના ભાગલા અને બાદમાં ભાજપની શિંદે-અજિત પવાર સાથેની સરકાર હવે વિધાનસભામાં બિરાજમાન છે.
જોકે આ મહાયુતિની સરકારને લોકસભામાં ભારે ફટકો પડ્યો છે અને હવે કેબિનેટમાં યોગ્ય સ્થાન મળતા અલગ થયેલ શિંદે તથા શિવસેના સમૂહમાં હવે ફાડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં એક બાદ એક મોટા નેતાઓના નિવેદનો ચર્ચાનો વિષય બની રહ્યાં છે.
એનસીપી (અજિત પવાર જૂથ)ના સિનિયર નેતા છગન ભુજબલ રાજ્યસભાની ટિકિટ ન મળવાથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. તેમણે રાજ્યસભામાં જવાની ઇચ્છા વ્યકત કરી હતી. આ માટે તેમણે પાર્ટીના નેતાઓ સાથે વાત પણ કરી હતી, પરંતુ તેમની જગ્યાએ પાર્ટીએ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવારને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવાયા છે. સુનેત્રાએ રાજ્યસભા માટે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે.
પાર્ટીના આ નિર્ણય બાદ છગન ભુજબલ નારાજ છે. છગને કહ્યું કે તેમણે રાજ્યસભાની ઉમેદવારી હમણાં જ નહીં પરંતુ છ વર્ષ પહેલા પણ માંગી હતી. છ વર્ષ પહેલા પ્રફુલ પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા ત્યારે જ મને રસ હતો. મેં વિચાર્યું કે સમય આવશે ત્યારે વાત કરીશું પરંતુ પાર્ટીએ હવે તક મળતા અન્ય કોઈને મોકલવાનો નિર્ણય લીધો છે.
વાસ્તવમાં છગન ભુજબલનું નામ પણ રાજ્યસભાના ઉમેદવારોની રેસમાં હતું પરંતુ પાર્ટીએ તેમના સ્થાને ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્નીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. ભુજબલે કહ્યું કે વિધાનસભામાં મને 40 વર્ષ થયા છે. મંત્રી પદ મળ્યું છે. ઉંમર વીતી ગઈ છે. મેં જેમને શાખાના પ્રમુખ બનાવ્યા, તેઓ સંસદમાં ચૂંટાયા અને મંત્રી બન્યા છે. મેં પણ એવું જ વિચાર્યું હતુ પરંતુ પાર્ટી અવગણના કરી રહી છે.
હું કોઈથી નારાજ નથી...
છગને ભુજબલે સ્પષ્ટા કરી કે, 'મારી સાથે કામ કરનાર મનોહર જોશી લોકસભાના સ્પીકર બન્યા. મને લાગ્યું કે મારે પણ જવું જોઈએ. ઘણા મિત્રો કહેતા હતા કે વિધાનસભાને કેટલા દિવસો બાકી છે તેથી ઈચ્છા વ્યક્ત કરી. બીજા દિવસે મિટિંગ પણ થઈ, પછી ચર્ચા થઈ. અજીતદાદા બહારગામ ગયા હતા. ચૂંટણીના એક દિવસ પહેલા આ અંગે ચર્ચા થઈ અને બધાએ સુનેત્રા તાઈનું નામ આગળ કર્યું. આ જોઈને ઝાટકો વાગ્યો પરંતુ હું કોઈનાથી નારાજ નથી.
સુનેત્રા પવાર બારામતી બેઠક પરથી હાર્યા :
છગન ભુજબલે વધુમાં જણાવ્યું કે, જરૂરી નથી કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. પાર્ટીનો નિર્ણય સૌએ સ્વીકારવાનો હોય છે. રાજકારણમાં લોકો વિચારે છે કે તેમને યોગ્ય તક મળશે પરંતુ તક સરકી જાય છે. લાયકાત હોવા છતાં તે પોસ્ટ પર જઈ શકાતું નથી. સુનેત્રા પવારને લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. સુપ્રિયા સુલેએ અહીંથી સતત ચોથી જીત નોંધાવી હતી.
રાજે શિવસેના છોડીને ભૂલ કરી :
એક ઈન્ટરવ્યુમાં છગન ભુજબલે અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરતા કહ્યું કે રાજ ઠાકરેએ શિવસેના છોડીને ભૂલ કરી છે. તમારા મતભેદો શું હતા, તમારી માંગણીઓ શું હતી, લોકોને જણાવો, મતભેદ હોય તો પણ છેડો ફાડવો વ્યાજબી હતો? તમારો એકબીજા સાથે લોહીનો કોઈ સંબંધ નથી ? મતભેદો ભલે હોય શિવસેના તો બાળાસાહેબ ઠાકરેની હતીને ?
રાજ ઠાકરે એ અલગ રસ્તો નક્કી કર્યો ત્યારે મેં ઉદ્ધવ અને રાજ બંનેને બોલાવીને કીધું હતુ કે પાંચ-છ દિવસ એકબીજા સાથે વાત ન કરો. ગુસ્સો આ ક્ષણ માટે જ છે, જ્યારે ગુસ્સો શાંત થાય છે ત્યારે મન બદલાઈ જાય છે. ભુજબલે કહ્યું કે બંનેએ થોડા દિવસો સુધી એકબીજા સાથે વાત કરી ન હતી પરંતુ ઉભા થયેલા મતભેદ વધતા ગયા અને અંતે રાજ ઠાકરેએ પોતાનો નિર્ણય લઈ લીધો.