ITR ફાઈલિંગમાં મોડું કર્યું તો આ લાભ નહીં મળે, જાણો કેટલા દિવસમાં રિફંડ જમા થાય છે
Income Tax Return Filling: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના આરે હવે માત્ર બે દિવસ જ બાકી છે. 31 જુલાઈ બાદ આઈટીઆર ફાઈલિંગ પર પેનલ્ટી લાગશે. જેથી આ કામ પહેલાં પૂરુ કરી પેનલ્ટી અને રિફંડમાં સમસ્યાઓથી બચી શકો છો. 26 જુલાઈ સુધી 5 કરોડથી વધુ કરદાતાઓ રિટર્ન ફાઈલ કર્યું છે. આ વખતે ગતવર્ષની તુલનાએ વધુ રિટર્ન ફાઈલ થશે, તેવો આશાવાદ છે. ગતવર્ષે 6.88 કરોડ કરદાતાઓ રિટર્ન ફાઈલ કર્યા હતા. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા સતત રિમાન્ડર મોકલી રહ્યું છે.
મોડા રિટર્ન ફાઈલિંગ પર રિફંડ મળશે નહીં
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટીડીએસ સહિતના રિફંડ આપે છે. જો તમે પણ વર્ષ દરમિયાન ટીડીએસ ચૂકવ્યું હોય તેમજ અન્ય રિફંડ મેળવવાના હકદાર હોવ તો તમારે 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરવુ પડશે, નહીં તો રિફંડ મળશે નહીં. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નિયત ડેડલાઈન બાદ રિટર્ન ફાઈલ કરનારા માટે રિફંડ જારી કરતુ નથી.
ક્યારે મળશે રિફંડ
આઈટીઆર ફાઈલ કર્યા બાદ મોટાભાગના કરદાતાઓ હવે રિફંડની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાઓના રિટર્નના પ્રોસેસિંગ બાદ રિફંડ જારી કરી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઈનકમ ટેક્સ એક્ટ 1961ની કલમ 143 (1) અંતર્ગત કરદાતાઓને રિટર્ન પ્રોસેસનો કન્ફર્મેશન મેસેજ આપવામાં આવે છે. રિફંડની રકમ કરદાતાના ખાતામાં જો કોઈ અડચણ ન આવી હોય તો એક મહિનાની અંદર જમા થતી હોય છે.
રિફંડની રકમ સીધી બેન્ક ખાતામાં
કરદાતાઓના રિફંડનું પ્રોસેસિંગ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કરે છે. રિફંડની રકમ કરદાતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. રિટર્ન ફાઈલિંગ દરમિયાન આપેલી બેન્કની વિગતોને અનુસાર, બેન્ક ખાતામાં રિફંડ જમા થશે. તદુપરાંત ઈ-ફાઈલિંગ પોર્ટલ પર બેન્ક એકાઉન્ટને પ્રી-વેલિડેટ કરાવવુ પણ જરૂરી છે. બેન્ક એકાઉન્ટ પાન સાથે લિંક હોવુ જરૂરી છે.
રિફંડમાં વિલંબ થાય તો વ્યાજ પણ મળશે
ટેક્સ નિષ્ણાતોનું કહેવુ છે કે, રિફંડની રકમ કરદાતાના એકાઉન્ટમાં સામાન્ય રીતે એકાદ મહિનામાં થતી હોય છે. પરંતુ જો તેનાથી વધુ સમય લાગે તો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વળતર સ્વરૂપે વ્યાજ પણ ચૂકવે છે. વ્યાજનો દર 0.5 ટકા પ્રતિ માસ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રિટર્નના પ્રોસેસિંગમાં લાગતો સમય ઘટાડ્યો છે. જેથી રિફંડમાં લાગતો સમય પણ ઘટ્યો છે.