બિહારમાં ફરી પલટી મારશે નીતિશ કુમાર? ભાજપને છોડવાની લાલુની ઓફર પર આપ્યો જવાબ
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હંમેશાથી પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. તેમના ઘણા નિવેદનોએ વિવિધ અટકળો અને મોટું રાજકીય ઘમાસણ થવાનો સંકેત આપ્યો છે. હાલમાં જ તેમનું વધુ એક નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે સીતામઢી જિલ્લામાં યોજનાઓની સમીક્ષા બેઠક દરમિયાન નિવેદન આપ્યું કે, આપણે બે વખત ભૂલથી ભટકી ગયા હતા. હવે આપણે સૌ સાથે રહીશું અને બિહારનો વિકાસ કરીશું. આ નિવેદન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમને આરજેડી તરફથી ફરી એકવાર મહાગઠબંધનમાં સામેલ થવાની ઓફર મળી છે.
2005 પહેલાં બિહારની સ્થિતિ ખરાબ હતી
સીતામઢી કલેક્ટ્રેટમાં સીએમએ સીતામઢી-શિવહરની સંયુક્ત સમીક્ષા બેઠક યોજી હતી. તે દરમિયાન પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી સરકારનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે, 24 નવેમ્બર 2005થી બિહારની જનતાએ તેમને કામ કરવાની તક આપી છે. ત્યારથી તેઓ બિહારના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. તમામ વિસ્તારો અને તમામ વર્ગો માટે સતત વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. 2005 પહેલાં બિહારની હાલત ખૂબ જ ખરાબ હતી. સાંજ પછી લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. હૉસ્પિટલમાં સારવાર માટે કોઈ વ્યવસ્થા નહોતી, રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા. શિક્ષણની સ્થિતિ સારી ન હતી.
આ પણ વાંચોઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સંપત્તિ વિશે જાણી ચોંકી જશો! આર્થિક સુધારામાં તેમનો ફાળો યાદગાર
ભેદભાવ વિના વિકાસ
સીએમએ કહ્યું કે, અગાઉ ઘણીવાર હિન્દુ-મુસ્લિમ વિવાદના સમાચાર આવતા હતા. જ્યારે બિહારના લોકોએ તેમને કામ કરવાની તક આપી ત્યારે રાજ્યની સ્થિતિ બદલાઈ છે. દરેક વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા છે. કોઈની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. અમે સાથે મળીને બિહારને સતત આગળ લઈ જઈ રહ્યા છીએ. અમે બે વાર ભૂલથી ભટકી ગયા હતા. હવે અમે હંમેશા સાથે રહીશું અને બિહાર સાથે દેશનો વિકાસ કરીશું. વાસ્તવમાં, સીએમએ આરજેડીનો ઉલ્લેખ કર્યા વિના જ આરજેડી પર કટાક્ષ કર્યો હતો.
RJD સાથે બે વખત ગઠબંધન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, પોતાનું પદ જાળવી રાખવા માટે 2005થી સીએમ નીતિશ કુમાર ક્યારેક આરજેડી સાથે તો ક્યારેક બીજેપી સાથે હાથ મિલાવતા રહ્યા છે. આ માટે તેમને ઘણા ઉપનામોથી પણ નવાજવામાં આવ્યા હતા. વિપક્ષના નેતા તેજસ્વી યાદવની જેમ તેમને દરેક સભા/કાર્યક્રમમાં 'પલ્ટુ ચાચા' કહેતા હતા. 2014માં પહેલીવાર નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી આરજેડી સાથે હાથ મિલાવ્યા હતા. 2015માં આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવામાં આવી હતી. ત્યારબાદ 2017માં તેઓ આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપમાં જોડાયા હતા. 2022માં, તેઓ ફરીથી ભાજપથી અલગ થયા અને આરજેડીમાં જોડાયા. 2024માં, તેમણે ફરીથી આરજેડી છોડી અને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.