VIDEO : 'ફ્લાઈટ રવાના થવામાં થોડી વાર લાગશે...', પાયલટે જાહેરાત કરતા જ મુસાફરે ઝીંક્યો લાફો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 15 જાન્યુઆરી 2024 સોમવાર
ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ લેટ થવી સામાન્ય બાબત છે. દરમિયાન દિલ્હીમાં ફ્લાઈટ મોડી થવાના કારણે એક મુસાફર એટલો નારાજ થઈ ગયો કે તેણે ફ્લાઈટના કેપ્ટન પર જ હુમલો કરી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુસાફરે પાયલટ પર હુમલો કર્યો
આ વીડિયોમાં વ્યક્તિને પાયલટને થપ્પડ મારતો જોઈ શકાય છે. ઉડ્ડયન સુરક્ષા એજન્સીએ (Aviation Security Agency) આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે પાયલટ માઈક્રોફોન પર મુસાફરોને દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઈટની ખરાબ હવામાનના કારણે લેટ થવાની જાણકારી આપી રહ્યો હતો. આ દરમિયાન મુસાફરે પાયલટને લાફો મારી દીધો.
આ ઘટના રવિવારે બપોરે એક વાગ્યાની છે. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ ઘટના પર કહ્યુ, આરોપી વિરુદ્ધ અમે યોગ્ય કાર્યવાહી કરીશુ. ઈન્ડિગોએ પણ મુસાફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લોકોએ મુસાફરને નો-ફ્લાય-લિસ્ટમાં નાખવાની અપીલ કરી
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકોની પ્રતિક્રિયા સામે આવી. એક યૂઝરે લખ્યુ, ફ્લાઈટમાં મોડુ થવાને લઈને પાયલટ શું કરી શકે છે. તે માત્ર પોતાનું કામ કરી રહ્યો હતો. આ વ્યક્તિની ધરપકડ કરીને તેને નો-ફ્લાય-લિસ્ટમાં નાખી દેવો જોઈએ. તેનો ફોટો જાહેર કરવો જોઈએ જેનાથી અન્ય લોકોને તેના ખરાબ વર્તન વિશે ખબર પડે.