મોદી-શાહ અને ભાજપે સંઘને અપ્રાસંગિક બનાવ્યો, ભાગવતે ટીકા કરવામાં વિલંબ કર્યો : ભાગવત
બંધારણ, લોકશાહી, સમાજ સ્વરક્ષા કરવા સક્ષમ, સંઘની જરૂર નથી
ખેડૂતો, દલિતો, મહિલાઓ પર અત્યાચાર સમયે ભાગવત મોન રહ્યા, તેમણે બોલવાની તકો ગુમાવી દીધી : પવન ખેરા
Congress on RSS : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ચૂંટણી પ્રચારમાં નેતાઓના બેફામ નિવેદનોની ટિકા કરી હતી, સાથે જ મણિપુરમાં શાંતિ સ્થાપવા અપીલ કરી હતી. એવામાં કોંગ્રેસે કહ્યું છે કે આરએસએસને મોદી, અમિત શાહ અને ભાજપે જ અપ્રાસંગિક બનાવી દીધો છે. બંધારણ, લોકશાહી અને સમાજ પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે, તેને આરએસએસ કે મોહન ભાગવતની જરૂર નથી. ખેડૂતો, દલિતો, વંચિતો પર અત્યાચાર સમયે મોહન ભાગવત મોન રહ્યા.
કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી હેડ પવન ખેરાએ મોહન ભાગવત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે ખેડૂતો પર દિલ્હીની સરહદે અત્યાચાર થઇ રહ્યો હતો ત્યારે મોહન ભાગવત ચૂપ રહ્યા, હાથરસમાં દલિત યુવતીની રેપ બાદ હત્યા કરાઇ દેવાઇ ત્યારે તમે ચૂપ હતા, બિલકિસ બાનોના બળાત્કારીઓને છોડી મુકાયા અને તમારી વિચારધારા ધરાવતા લોકોએ તેનું સ્વાગત કર્યું ત્યારે તમે ચૂપ હતા, દલિતો પર પેશાબ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તમે ચૂપ હતા, પેહલુ ખાન અને અખલાકની હત્યા થઇ ત્યારે તમે ચૂપ હતા, કન્હૈયાલાલના હત્યારાઓની ભાજપ લિંક સામે આવી ત્યારે તમે ચૂપ હતા.
કોંગ્રેસે કહ્યું હતું કે તમારા મોને અને મોદીએ તમને તેમજ સંઘને અપ્રાસંગિક બનાવી દીધા છે. અમિત શાહ અને ભાજપે જ સંઘ અને ભાગવત તમને અપ્રાસંગિક બનાવી દીધા છે. જ્યારે ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાતો કરી રહ્યા હતા ત્યારે તમારી પાસે બોલવાની અંતિમ તક હતી, જોકે તમે ત્યારે પણ મોન રહ્યા. આ પહેલા મોહન ભાગવતે નાગપુરમાં સંઘના કાર્યકર્તાઓને સંબોધતા મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો સાથે જ કહ્યું હતું કે સાચો સેવક ક્યારેય અહંકારી ના હોવો જોઇએ. મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઇ રહ્યું છે. ચૂંટણીમાં નેતાઓએ મર્યાદા ઓળંગી છે.
જ્યારે કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી એમ બન્ને બેઠકો જીતનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ બન્નેમાંથી કઇ એક બેઠક ખાલી કરુ તેને લઇને હું અવઢવમાં છું. વાયનાડમાં કોંગ્રેસની કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના વડા કે સુધાકરણે એવા સંકેતો આપ્યા હતા કે કદાચ રાહુલ ગાંધી વાયનાડની બેઠક ખાલી કરી શકે છે. અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર તેઓ સાંસદ તરીકે કામ કરતા રહેશે. આવી સ્થિતિમાં વાયનાડની બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ શકે છે. રાહુલ ગાંધી પણ વાયનાડની મુલાકાતે છે. સભાને સંબોધતા તેમણે મોદી પર ટોણો મારતા કહ્યું હતું કે હું વાયનાડ બેઠક ખાલી કરુ કે રાયબરેલી તેને લઇને અવઢવ છે, આવુ એટલા માટે કેમ કે હું ભગવાન નથી, મને ભગવાને નથી મોકલ્યો, ના તો મોદીની જેમ ભગવાન મારી પાસે કોઇ નિર્ણય કરાવે છે. મારા માટે ભગવાન તો આ દેશના ગરીબ લોકો છે. તેઓ જ મારી સાથે વાતો કરે છે.