એવુ લાગે છે કે સંસદની સુરક્ષાભંગ કરનારાઓને વિપક્ષનો સપોર્ટ છે: PM મોદીના વિપક્ષ પર પ્રહાર
Image Source: Twitter
- વિપક્ષના સાંસદોનો વ્યવહાર દુ:ખી કરનારો: PM મોદી
નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર
Parliament Winter Session: સંસદની સુરક્ષામાં ચૂક મામલે એક તરફ જ્યાં વિપક્ષના હંગામા બાદ અનેક સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિપક્ષી સાંસદોના વ્યવહારથી ખુશ નથી. ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષના સાંસદોનો વ્યવહાર દુ:ખી કરનારો છે. તેમના વ્યવહાર પરથી એવું લાગે છે કે, સંસદની સુરક્ષાભંગ કરનારાઓને વિપક્ષનો સપોર્ટ છે.
પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા આગળ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારની હતાશા સ્પષ્ટ નજર આવી રહી છે અને જો આ જ પ્રકારનો વ્યવહાર વિપક્ષે બનાવી રાખ્યો તો 2024માં તેમણે કરારી હારનો સામનો કરવો પડશે. આ સાથે જ તેમણે બીજેપી સાંસદોને કહ્યું કે, નવા મતદાતાઓએ એ સમય નથી જોયો જ્યારે રોજ નવા કૌભાંડ થતાં હતા. વિપક્ષના એ કારનામા વિશે તેમને જાગરૂક કરવાની જરૂર છે. એવું લાગે છે કે, વિપક્ષે નક્કી કરી લીધુ છે કે, તેમણે અહીં જ રહેવું છે આગળ નથી વધવું. લોકસભા ચૂંટણી 2024 અંગે તેમણે કહ્યું કે, હમણા આ મીટિંગ હોલમાં જે ખાલી જગ્યા છે બીજી વખત આ જગ્યા પણ ભરાઈ જશે.
પીએમ મોદીએ બીજેપી સાંસદોને કહ્યું કે, સંસદ ભવનમાં જે કંઈ પણ થયુ તેનું સમર્થન કરવું ખૂબ જ ખોટુ છે. વિપક્ષે મન બનાવી લીધું છે કે, તે હવે વિપક્ષમાં જ બેસશે. વિપક્ષ જે કરી રહ્યું છે તે તેમની હતાશા અને નિરાશા છે. વિપક્ષનો હેતુ નરેન્દ્ર મોદીને ઉખાડી ફેંકવાનો છે અને અમારો હેતુ દેશનો વિકાસ કરવાનો છે. અમારા અને તેમની વિચારસરણીમાં આ જ અંતર છે.
સંસદમાં સ્મોક એટેક મામલે વિપક્ષના હુમલા
બીજી તરફ આ મામલે વિપક્ષ ગૃહમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરતું વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આજે પણ વિપક્ષના સાંસદોએ નવા સંસદ ભવનના મુખ્ય ગેટ પર બેસીને પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી પણ સામેલ થયા હતા.