'દુઃખ થાય છે કે અમારી હાલત કોંગ્રેસ જેવી થઈ ગઈ..', ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નેતાનો કટાક્ષ
Image: Facebook
Bhaskar Jadhav Statement: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ શિવસેના યુબીટીની સામે નવો પડકાર ઊભો થઈ રહ્યો છે. નેતા ખુલ્લા મંચથી પાર્ટીના કાર્યોની ટીકા કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક વરિષ્ઠ નેતા અને ધારાસભ્યએ શિવસેના યુબીટીની તુલના 'કોંગ્રેસની હાલત' થી કરી દીધી.
ધારાસભ્ય ભાસ્કર જાધવે પાર્ટીના કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા. સોમવારે તેમણે રત્નાગિરી જિલ્લામાં ચિપલૂન અને આસપાસના વિસ્તારના પદાધિકારીઓની સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું, 'એ કહેતાં દુ:ખ થાય છે, પરંતુ અમારી પાર્ટીની હાલત કોંગ્રેસ જેવી થઈ ગઈ છે. અમારી પાસે કામ ન કરનાર પદાધિકારીઓ અને નેતાઓને હટાવવાની હિંમત નથી. વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓના સૂચન સાંભળનાર કોઈ નથી.'
આ પણ વાંચો: 'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ અન્ય દેશમાં હોત તો ધરપકડ થઇ હોત': રાહુલ ગાંધી
તેમણે એ પણ સૂચન આપ્યું છે કે 'પાર્ટીના પદાધિકારીઓનો નિશ્ચિત કાર્યકાળ હોવો જોઈએ. ખાસ વાત છે કે તે દરમિયાન બેઠકમાં પૂર્વ સાંસદ વિનાયક રાઉત અને ઉદ્ધવ ઠાકરેના નજીકના સંજય કદમ પણ હાજર હતાં. જાધવે કહ્યું, 'આપણે ખોટાં નિર્ણયો પર વિચાર કરવો પડશે અને આગળની પ્રક્રિયા શ્રેષ્ઠ કરવી પડશે. આ સંગઠનને મજબૂત કરશે અને આગામી ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. ભાજપ આજે હિન્દુત્ત્વ શીખવાડી રહી છે પરંતુ બાલાસાહેબ ઠાકરે હતાં જે શક્તિશાળી કોંગ્રેસ વિરુદ્ધ ઊભા હતાં. પાર્ટીના કાર્યકર્તા સંગઠન માટે મહેનત કરવા ઈચ્છે છે પરંતુ દુર્ભાગ્યથી નેતા તે લોકોનો પક્ષ લે છે જે રૂપિયા આપે છે. પાર્ટી કાર્યકર્તા ત્યારે જ મહેનત કરી શકશે, જ્યારે નેતા ઈમાનદાર થશે. શિવસેના આગ છે અને ક્યારેક આપણે સળગતાં કોલસા પર ચાલવું પડે છે.'
આની પર પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે 'જાધવે જે પણ કહ્યું, તેની પર વિચાર કરવામાં આવશે. આવા સમય પર વરિષ્ઠ નેતાઓએ જોવું જોઈએ કે તે શું બોલી રહ્યાં છે.' તે જાધવ તરફથી પાર્ટીના કામ કરવાની રીત પર સવાલ ઉઠાવવાથી નારાજ દેખાયા.