પત્ની પાસે પતિ ઘરકામની અપેક્ષા રાખે તે ક્રૂરતા નથી : હાઇકોર્ટ

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
પત્ની પાસે પતિ ઘરકામની અપેક્ષા રાખે તે ક્રૂરતા નથી : હાઇકોર્ટ 1 - image


- પતિને પરિવારથી પત્ની અલગ કરાવે તો તે ક્રૂરતા : દિલ્હી હાઇકોર્ટ

- નાજૂક લાગણી પર નભેલા લગ્ન સંબંધ ત્રીજી વ્યક્તિના પ્રવેશથી ટિક ટિક કરતો ટાઇમ બોમ્બ બની જાય છે

- પત્ની પણ પતિ પાસે ઘર કામની અપેક્ષા રાખી શકે, બન્નેએ એકબીજાની જવાબદારી નિભાવવી જરૂરી છે

નવી દિલ્હી : પતિ અને પત્ની વચ્ચે જ્યારે કોઇ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે સંબંધોમાં વિશ્વાસ અને લાગણી નાશ પામે છે. આ ટિપ્પણી ખૂદ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી છે. દિલ્હી હાઇકોર્ટે પતિ અને પત્નીના છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય છે ત્યારે બન્નેના સંબંધ એક ટિક ટિક કરનારો ટાઇમ બોમ્બ બનીને રહી જાય છે. જેમાં પીડા, નિરાશા, અસ્વીકૃતિ અને નિરાશાની ભાવનાઓ ફસાઇ જાય છે.

દિલ્હી હાઇકોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આ ટાઇમ બોમ્બ બ્લાસ્ટ થાય છે તે બાદ આ દબાયેલી ભાવનાઓના છરા સીધી કે આડકતરી રીતે તેમાં સામેલ તમામ લોકોને નુકસાન પહોંચાડે છે. લગ્ન સંબંધો બહુ જ નાજુક ભાવનાત્મક માનવીય નાસો છે. આ મામલાની હકીકત એવી છે કે ૧૯૮૨માં કપલના લગ્ન થયા હતા, બન્ને વચ્ચે બે બાળકો છે. જોકે લગ્નના થોડા વર્ષો બાદ ૧૯૯૪માં બન્ને અલગ રહેવાનું શરૂ કરી દીધુ હતું. પતિએ બાદમાં પત્ની પર મારપીટ વગેરેનો આરોપ લગાવ્યો હતો અને ક્રૂરતાના આધારે છૂટાછેડાની માગણી કરી હતી. 

જ્યારે પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિનો અન્ય યુવા વયની મહિલા સાથે સંબંધ છે. અને આ મહિલા ઘરે પણ આવે છે, મારો પતિ તેની સાથે પણ રહેતો હતો. મહિલાએ પતિ સામે આઇપીસીની કલમ ૪૦૬ (વિશ્વાસઘાત કરવો), ૪૯૮એ (ક્રૂરતા)નો કેસ કર્યો હતો. જેમાં પતિના પરિવારજનોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે પરિવારજનોને કોર્ટે અગાઉ છોડી મુક્યા હતા અને પતિને ૨૦૧૩માં છોડયો હતો. પતિએ બાદમાં એવી દલીલ કરી હતી કે મારો અન્ય કોઇ મહિલા સાથે સંબંધ નથી. હાલમાં કોર્ટે પતિની દલિલોને ફગાવી દીધી છે અને છૂટાછેડા ના આપવાના નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સાથે કહ્યું હતું કે પત્ની પર ક્રૂરતાના કેસમાં છૂટી જવા માત્રથી પતિને પત્નીથી છૂટાછેડા ના મળી શકે. 

દરમિયાન દિલ્હી હાઇકોર્ટમાં જ પતિ અને પત્નીના વિવાદના અન્ય કેસની પણ સુનાવણી થઇ હતી, જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે પતિ પત્ની પાસે ઘરકામની અપેક્ષા રાખે તો તેને ક્રૂરતા ના કહી શકાય. સાથે એમ પણ કહ્યું હતું કે જો પત્ની પતિને પોતાના પરિવારથી અલગ રહેવા માટે દબાણ કરે તો તે ક્રૂરતા ગણાય છે. પતિએ છૂટાછેડાની અરજી કરી હતી જેને ફેમેલી કોર્ટે નકારી હતી જ્યારે હાઇકોર્ટે માન્ય રાખી છૂટાછેડા મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે સાથે એમ પણ કહ્યું હતું કે પતિ કે પત્ની ઘરકામ માટે એકબીજાને કહે કે એવી આશા રાખે તો તે ક્રૂરતા નથી.


Google NewsGoogle News