Get The App

આ તો માત્ર ટ્રેલર, હજુ પ્રચંડ ગરમી પડશે... આટલું વધશે તાપમાન: IMDએ આપ્યું એલર્ટ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News


આ તો માત્ર ટ્રેલર, હજુ પ્રચંડ ગરમી પડશે... આટલું વધશે તાપમાન: IMDએ આપ્યું એલર્ટ 1 - image

Image Source: Freepik

IMD Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને હાલમાં દરેક લોકોના મનમાં એ જ સવાલ ચાલી રહ્યો છે કે, આ પ્રકોપ ક્યારે બંધ થશે. ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર છે. રાજસ્થાનના અનેક વિસ્તારમાં તાપમાન 48 ડિગ્રીને પાર જઈ ચૂક્યુ છે. ગુજરાતમાં પણ ગરમીનો કહેર વધી રહ્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર છે. આવી સ્થિતિમાં તમામ લોકો આ ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઉત્તર ભારતે હજું આ ગરમી સહન કરવી પડશે. જો કે, દિલ્હીમાં સવાર-સાંજ હવાએ ચઢી રહેલા પારાને રોકી રાખ્યો છે પરંતુ આગામી થોડા દિવસોમાં પ્રચંડ ગરમીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

3થી 4 ડિગ્રી વધશે તાપમાન

ભારતના મોટા હિસ્સામાં પ્રચંડ ગરમીનો કહેર યથાવત છે. બાડમેરમાં આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં યમુના નદીના જળ સ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના કારણે પાણી પુરવઠાને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ત્રણથી ચાર ડિગ્રીના વધારાની આગાહી સાથે સ્થિતિ વધુ વણસે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તમામ વયના લોકોમાં ગરમીથી થતી બીમારીઓ અને હીટસ્ટ્રોકની ખૂબ વધુ શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું કે, ગરમીની રાતની સ્થિતિ આગામી 4 દિવસોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગરમીથી સબંધિત તણાવને વધારી શકે છે. 

રાત્રિનું ઊંચું તાપમાન ખતરનાક માનવામાં આવે છે. કારણ કે, તેનાથી શરીરને ઠંડુ થવાની તક નથી મળતી. શહેરમાં રાત્રે ગરમી વધવી એ સામાન્ય બાબત છે. તેમાં મેટ્રો સિટીમાં પોતાના આસપાસના વિસ્તારોની તુલનામાં વધુ ગરમી હોય છે. પ્રચંડ ગરમી પાવર ગ્રીડ પર દબાણ લાદી રહી છે અને પાણીના સ્ત્રોતો સુકાઈ રહ્યા છે, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

જળાશયો સુકાઈ રહ્યા છે

કેનદ્રીય જળ આયોગે જણાવ્યું કે, ભારતના 150 પ્રમુખ જળાશયોમાં પાણીનો સંગ્રહ ગત અઠવાડિયે પાંચ વર્ષમાં પોતાના સૌથી નીચા સ્તરે આવી ગયો છે, જેના કારણે ઘણા રાજ્યોમાં પાણીની અછત વધી છે અને જળ વિદ્યૂત ઉત્પાદન પર નોંધપાત્ર અસર પડી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બહાર કામ કરતા મજૂરો, વૃદ્ધો અને બાળકોમાં ગરમીથી લાગતી થાક અને હીટસ્ટ્રોકનું જોખમ વધુ હોય છે. 

હીટવેવથી હજારો મોત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું કે, 1998 થી 2017ની વચ્ચે હીટવેવથી 1,66,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગત વર્ષે જુલાઈમાં સંસદને જણાવ્યું હતું કે, ભારતમાં 2015 અને 2022ની વચ્ચે હીટવેવના કારણે 3,812 મૃત્યુ થયા હતા. જેમાં એકલા આંધ્રપ્રદેશમાં 2,419 મૃત્યુ થયા હતા.

24 સ્થળો પર 45 ડિગ્રી ઉપર તાપમાન

દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 24 સ્થળોએ બુધવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં બાડમેરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ, ચુરુમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી, ફલોદીમાં 47.8 ડિગ્રી અને જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મધ્યપ્રદેશના રતલામમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી, મહારાષ્ટ્રના અકોલામાં 44.8 ડિગ્રી, હરિયાણાના સિરસામાં 47.7 ડિગ્રી, પંજાબના ભટિંડામાં 46.6 ડિગ્રી, ગુજરાતના કંડલામાં 46.1 ડિગ્રી અને ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શા માટે પડી રહી આટલી ગરમી?

વર્ષ 2023નું હવામાન ખૂબ ગરમ અને શુષ્ક રહ્યું હતું. હવામાનશાસ્ત્રીઓએ તેનું કારણ અલ નીનોની અસર ગણાવ્યું છે. જો કે, આગામી જૂન સુધીમાં અલ નીનો સમાપ્ત થઈ જશે જેના કારણે આ વર્ષે ચોમાસામાં સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિશ્વને અસર કરતો અલ નીનો નબળો પડી રહ્યો છે અને લા નીના મજબૂત થઈ રહી છે. ઓગસ્ટ મહિના સુધીમાં લા નીના સ્થિતિ મજબૂત થઈ જશે જેના કારણે સારા વરસાદની શક્યતા છે. 

ક્યારે મળશે રાહત?

અલ નીનો નબળો પડતા અને લા નીનાની સ્થિતિ મજબૂત થતાં જ લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની આશા છે. લા નીનાની અસરથી આ વખતે ચોમાસામાં સારા વરસાદની શક્યતા છે. એટલે કે, હવે ગરમીથી રાહત ચોમાસાનો વરસાદ જ અપાવશે. આ વખતે ચોમાસું સમય કરતા વહેલું શરૂ થઈ શકે છે. 


Google NewsGoogle News