'ખાનગી સંપત્તિનું અધિગ્રહણ ના કરી શકાય એમ કહેવું ખતરનાક...' સુપ્રીમ કોર્ટે કેમ આ ટિપ્પણી કરી?
Image: Facebook
Supreme Court: સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે બંધારણનો હેતુ સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે. એ કહેવું ખતરનાક હશે કે કોઈ વ્યક્તિની ખાનગી સંપત્તિને સમુદાયના ભૌતિક સંસાધન માની શકાય નહીં અને જાહેર ભલાઈ માટે રાજ્ય દ્વારા તેનું અધિગ્રહણ ના કરી શકાય.
ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી નવ જજની બંધારણીય બેન્ચે આ ટિપ્પણી કરી. બંધારણીય બેન્ચ એ પ્રશ્ન પર વિચાર કરી રહી છે કે શું ખાનગી સંપત્તિઓને બંધારણની કલમ 39 (બી) હેઠળ સમુદાયના ભૌતિક સંસાધન માની શકાય છે? ઘણી અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઉઠાવવામાં આવ્યો છે.
બંધારણની કલમ 39 (બી) માં જોગવાઈ છે કે રાજ્ય પોતાની નીતિ દ્વારા એ નક્કી કરવાનો પ્રયત્ન કરશે કે સમુદાયના ભૌતિક સંસાધનોની માલિકી અને નિયંત્રણ આ પ્રકારે કરવામાં આવે, જે સામાન્ય લોકોની ભલાઈ માટે સર્વોત્તમ હોય. મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન (પીઓએ) સહિત પક્ષકારોના વકીલે જોરદાર દલીલ કરી કે બંધારણની કલમ 39 (બી) અને 31 (સી) ની બંધારણીય યોજનાઓની આડમાં રાજ્યના અધિકારીઓ દ્વારા અંગત સંપત્તિઓનું અધિગ્રહણ કરી શકાય નહીં.
બંધારણીય બેન્ચે કહ્યું, આ સૂચન કરવું થોડું અતિવાદી થઈ શકે છે કે સમુદાયના ભૌતિક સંસાધનોનો અર્થ માત્ર સાર્વજનિક સંસાધન છે. તેની ઉત્પત્તિ કોઈ વ્યક્તિની ખાનગી સંપત્તિમાં નથી. હું તમને જણાવીશ કે આવો દ્રષ્ટિકોણ રાખવો કેમ ખતકનાક હશે. બેન્ચે આગળ કહ્યું, ખાણો અને ખાનગી જંગલ જેવી સામાન્ય વસ્તુઓને લઈ લો. સરકારી નીતિ કલમ 39 (બી) હેઠળ ખાનગી જંગલ પર લાગુ થશે નહીં. તેથી તેનાથી દૂર હો, આવું કહેવું ખૂબ ખતકનાક હશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અધિકારીઓને જર્જરિત ઈમારતોને પોતાના કબ્જામાં લેવાનો અધિકાર આપનાર મહારાષ્ટ્રનો કાયદો કાયદેસર છે કે નહીં, એ સંપૂર્ણપણે અલગ મુદ્દો છે અને તેનો નિર્ણય સ્વતંત્ર રીતે કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે શું એ કહી શકાય છે કે એક વખત સંપત્તિ ખાનગી થઈ ગયા બાદ કલમ 39 (બી) નો કોઈ ઉપયોગ થશે નહીં કેમ કે સમાજ કલ્યાણકારી ઉપાયોની માગ કરે છે અને સંપત્તિના પુનઃવિતરણની પણ જરૂર છે. જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું ત્યારની સામાજિક અને અન્ય સ્થિતિઓનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું, બંધારણનો હેતુ સામાજિક પરિવર્તન લાવવાનો હતો. અમે એ નહીં કહી શકતાં કે ખાનગી સંપત્તિ રાખવા બાદ કલમ 39 (બી) નો કોઈ ઉપયોગ નથી.
બંધારણીય બેન્ચે જસ્ટિસ હૃષિકેશ રાય, બીવી નાગરત્ના, સુધાંશુ ધૂલિયા, જેબી પાર્ડીવાલા, મનોજ મિશ્રા, રાજેશ બિંદલ, સતીશચંદ્ર શર્મા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહ પણ સામેલ છે.