હિન્દુઓ નબળા રહે તે અપરાધ, બળવાનની જ પુજા થાય છે : ભાગવત
સંઘના વડાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ટીકા કરી
ભારત બહાર હિન્દુઓ પર થતા અત્યાચારો રોકવા માટે કેન્દ્ર સરકાર યોગ્ય પગલા લે તેવી ભાગવતની સલાહ
નાગપુર: રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે સંઘવડા મોહન ભાગવતે દશેરાની ઉજવણીના ભાગરૂપે નાગપુરમાં શસ્ત્ર પુજન કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર સંઘના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. ભાગવતે પોતાના સંબોધનમાં બાંગ્લાદેશ તેમજ અન્ય દેશોમાં હિન્દુઓ પર હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હિન્દુઓને શક્તિજાળી બનવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નબળા રહેવુ તે એક ગુનો છે. પ્રથમ વખત હિન્દુઓ પોતાના રક્ષણ માટે બાંગ્લાદેશના રોડ પર ઉતર્યા હતા.
બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને રોકવા માટે મોહન ભાગવતે કેન્દ્ર સરકારને પણ ધ્યાન આપવા માટે કહ્યું હતું. સંઘ વડાએ મોબાઇલના વધી રહેલા ઉપયોગથી લઇને યુદ્ધ તેમજ પાકિસ્તાન સહિતના મુદ્દે પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મનુષ્યનું ભૌતિક જીવન અગાઉ કરતા વધુ સુખદ છે. જોકે આપણે સ્વાર્થ માટે કેવા યુદ્ધ છેડી દીધા છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધને કારણે બહુ જ મોટુ સંકટ આવશે. આપણો દેશ આગળ વધી રહ્યો છે. સમાજની સમજદારી પણ ધીરે ધીરે આગળ વધી રહી છે. અને તેને કારણે જ જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઇ ગઇ. દેશના યુવાનો, શાસન, પ્રશાસન, ખેડૂતો, જવાનો દ્વારા દેશને આગળ લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
દેશ પ્રગતિ કરી રહ્યો છે પણ તેની સામે અનેક પડકારો છે. આ પડકારો માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ સમક્ષ છે, જે માયાવી સ્વરુપ ધારણ કરીને આગળ વધે છે. ભારત આગળ વધી રહ્યું છે પરંતુ આપણો દેશ પ્રગતિ ના કરે એવુ ઇચ્છનારી તાકતો પણ છે. જોકે ભારત એક માત્ર એવો દેશ છે કે જે પોતાના દુશ્મનોને પણ મદદ કરે છે. ભારતે શાંતિ માટે પોતાના હિતોનું બલિદાન પણ આપ્યું છે. અનેક દેશોને લાગી રહ્યું છે કે ભારત આગળ વધી રહ્યું છે. બાંગ્લાદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતથી ખતરો છે માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશે એક થઇ જવુ જોઇએ કેમ કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે. જે બાંગ્લાદેશને ભારતે બનાવ્યું ત્યાં જ આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. આવુ કોણ કરાવી રહ્યું છે? જો ભારત ઉભો થશે તો સ્વાર્થની દુકાનો બંધ થઇ જશે તેમ કહીને ભાગવતે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું.
ભાગલતે પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની રેપ-હત્યાની ઘટનાનો ઉલ્લેખ પણ પોતાના ભાષણમાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઘટના બાદ સમાજના લોકો ડોક્ટરોની સાથે ઉભા રહ્યા, આવી ઘટનાઓ થવા જ ના દેવી જોઇએ જોકે ઘટના બની તે બાદ જે પ્રકારનુ સંરક્ષણ અપરાધીઓને મળ્યું તે નિંદનિય છે. ત્યાં રાજકારણ અને અપરાધ વચ્ચે ગઠબંધન થઇ ગયું. સરહદી પ્રદેશોમાં કટ્ટરવાદ વધી રહ્યો છે. આટલા મોટા સમાજમાં અસંતોષના અનેક કારણો હોઇ શકે છે. જોકે અસંતોષ વ્યક્ત કરવાનો રસ્તો બંધારણીય હોવો જોઇએ.
કોઇ નથી કહેતુ કે ચુપ રહો પરંતુ અસંતોષ વ્યક્ત કરવાના નિયમો છે. કાયદો અને બંધારણને છોડીને અસંતોષ દેખાડવાનો પ્રયાસ એક પ્રકારની ગુંડાગર્દી જ કહેવાય. આજે નબળા નહીં પણ બળવાન લોકોની પૂજા થાય છે. સારા લોકોએ હંમેશા મજબૂત રહેવુ જોઇએ. જ્યારે સારા વ્યવહાર સાથે તાકાત આવે છે ત્યારે એક સારા સમાજની રચના થાય છે. સારા લોકો તમામ લોકો સાથે સારુ વર્તન કરે છે. પોતાના ભાષણના અંતે મોહન ભાગવતે કહ્યું હતું કે હિન્દુ ભૂમિ કા કણ કણ હો અબ, શક્તિ કા અવતાર ઉઠે, જલ થલ સે અંબર સે ફીર હિન્દુ કી જય જયકાર ઉઠે, જગ જનની કા જયકાર ઉઠે, ભારત માતા કી જય.
- સરકાર ઓટીટી પર અંકુશ રાખે, બહુ જ હલકી કક્ષાની સામગ્રી દેખાડાય છે : ભાગવત
સંઘ વડા મોહન ભાગવતે દશેરાની રેલીને સંબોધતા આપેલા વક્તવ્યમાં મોબાઇલનો બાળકો દ્વારા વધી રહેલો ઉપયોગ અને ઓટીટી પ્લેટફોર્મ એટલે કે ઓનલાઇન કોન્ટેન્ટને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓટીટી પર જે પ્રકારની કોન્ટેન્ટ અપાઇ રહી છે તે અત્યંત ખેદજનક છે. ઓટીટીને અંકુશમાં રાખવાની જરૂર છે. સોશિયલ મીડિયા યૂઝર્સે પણ તેનો ઉપયોગ સમાજને જોડવા માટે કરવો જોઇએ તોડવા માટે નહીં. બાળકનો માનસિક વિકાસ ત્રણથી ૧૨ વર્ષની વચ્ચે થતો હોય છે. આ વિકાસ ઘરે મળતા શિક્ષણ અને વડીલોના વર્તન પર આધાર રાખે છે. તેથી જો સમાજને સુધારવો હોય તો તેની શરૂઆત ઘરથી જ કરવી જોઇએ. ઘરે એવુ વાતાવરણ બનાવીએ કે બાળકો પર તેની સારી અસર થાય.