ઓડિશા-ઝારખંડમાં ITના દરોડા, મળ્યો નોટોનો ખડકલો.., પૈસા ગણવાના મશીનો જ ખરાબ થઈ ગયા
આવકવેરા વિભાગે ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને રાંચી, ઝારખંડના લોહરદગામાં કાર્યવાહી કરી
IT Department Raids : આવકવેરા વિભાગે (Income Tax) ઓડિશા અને ઝારખંડમાં એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દરોડા પાડ્યા હતા જેમાં પરિસરમાંથી નોટોના બંડલનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
વધારે સંખ્યામાં નોટો હોવાને કારણે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું
આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ (Boudh Distilleries Private Limited) પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને રાંચી, ઝારખંડના લોહરદગામાં કાર્યવાહી કરી હતી જે હજુ પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધીમાં જ દરોડામાં 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, જો કે વધારે સંખ્યામાં નોટો હોવાને કારણે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ દરોડા હજૂ પૂરા થયા નથી. આવકવેરા વિભાગના લોકો હજુ પણ બૌધ ડિસ્ટિલરીઝના પરિસરમાં હાજર છે અને કાર્યવાહી કરી રહ્યા છે.
અહીં પણ ITની કાર્યવાહી ચાલું
આવકવેરા વિભાગે બૌધ ડિસ્ટિલરીઝ ઉપરાંત ઝારખંડના પ્રખ્યાત ઉદ્યોગપતિ રામચંદ્ર રૂંગટાના પરિસરમાં પણ દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગ સવારથી જ રામગઢ, રાંચી અને અન્ય સ્થળોએ તેમના ઘરે અને સંસ્થાઓ પર દરોડા પાડી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રામગઢ અને રાંચીમાં સ્થિત રામચંદ્ર રૂંગટાના ઘણા સ્થળો પર સર્વે ચાલી રહ્યો છે. CRPFના જવાનો અહીં આવકવેરા અધિકારીઓને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રામગઢ જિલ્લામાં ઘણી જગ્યાએ આવેલી ફેક્ટરીઓ અને રહેઠાણોમાં તપાસ ચાલી રહી છે. રામગઢ શહેરમાં પંજાબ નેશનલ બેંક પાસે આવેલી રામચંદ્ર રૂંગટાની રહેણાંક ઓફિસમાં સવારથી અધિકારીઓ પણ એકઠા થયા છે.