Get The App

ખેડૂતોનો મુદ્દો ગંભીર, પબ્લિસિટી માટે અહીં ન આવો: સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવીને અરજી ફગાવી

- માત્ર પબ્લિસિટી મેળવવા માટે આવી અરજીઓ દાખલ ન કરવી: સુપ્રીમ કોર્ટ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ખેડૂતોનો મુદ્દો ગંભીર, પબ્લિસિટી માટે અહીં ન આવો: સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવીને અરજી ફગાવી 1 - image


નવી દિલ્હી, તા. 04 માર્ચ 2024, સોમવાર

ખેડૂત આંદોલનકારીઓ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ખેડૂતોનો મુદ્દો ગંભીર છે અને તેના પર માત્ર ચર્ચા કરવા માટે અરજી દાખલ ન કરવી. જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે પીઆઈએલને ફગાવી દેતા કહ્યું કે આ મુદ્દે હાઈકોર્ટમાં પહેલાથી જ સુનાવણી ચાલી રહી છે. તો પછી અહીં તેને લાવવાની શું જરૂર છે? અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અધિકારીઓને ખેડૂતો અને શીખો પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવો જોઈએ. તેનાથી દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ પણ ખરાબ થાય છે.

ખેડૂતોનો મુદ્દો ગંભીર: સુપ્રીમ કોર્ટ

તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, આવી અરજીઓ માત્ર પબ્લિસિટી મેળવવા માટે દાખલ ન કરવી જોઈએ. આ સાથે જ તેમણે અરજદારને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. તેમણે ખેડૂતો સાથે સબંધિત મુદ્દાને ગંભીર ગણાવતા કહ્યું કે, માત્ર સમાચાર પત્રોના અહેવાલના આધાર પર પબ્લિસિટી માટે અરજી દાખલ ન કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, માત્ર પબ્લિસિટી મેળવવા માટે આવી અરજીઓ દાખલ ન કરવી. હાઈકોર્ટ પહેલાથી જ આ મામલે સુનાવણી કરી રહી છે અને આદેશ પણ આપ્યો છે. આ બાબતનું ધ્યાન રાખવુ. આ જટિલ મામલો છે. પોતે પણ રિસર્ચ કરવું જોઈએ. 

કેન્દ્ર સરકાર અને ચાર રાજ્ય સરકારો ખેડૂતોના અધિકારોનું હનન કરી રહી છે

અરજી કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ચાર રાજ્ય સરકારો ખેડૂતોના અધિકારોનું હનન કરી રહી છે. આ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે. આ ઉપરાંત ઘાયલોને પણ રાહત રકમ મળવી જોઈએ. આ ઉપરાંત એ પણ માંગ કરવામાં આવી હતી કે, કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખેડૂતોને દિલ્હી જવાનો માર્ગ આપવાનો આદેશ આપે. તેમને દિલ્હીની સરહદો પર રોકવામાં ન આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતોનું કેન્દ્ર અને 4 રાજ્ય સરકારોએ હનન કર્યું છે.

સીખ ચેમ્બર ઓફ કોમર્સના એમડી એગ્નોસ્ટોસ થિયોસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટ પાસે એ પણ માંગ કરવામાં આવી હતી કે, તે કેન્દ્ર સરકારને આદેશ આપે કે, તે જરૂરી માંગો પર વિચાર કરે. આ ઉપરાંત તેમની સાથે સમ્માનજનક વ્યવહાર કરવામાં આવે. તેમની સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવે. એટલું જ નહીં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને અનબ્લોક કરી દેવામાં આવે અને બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડ્સને હટાવી દેવામાં આવે.

ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવા સહિતની માંગ મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનો આંદોલન કરી રહ્યા છે.


Google NewsGoogle News