ઈસરોની વધુ એક સફળતા, 132 દિવસ પછી પહેલીવાર આદિત્ય-એલ 1ના યંત્રો સક્રિય
ઈસરોએ એલ 1 પોઈન્ટ પર હાજર આદિત્યના બે મેગ્નેટોમીટર સક્રિય કર્યા છે
Aditya L1 Solar Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ આદિત્ય-એલ 1માં લાગેલા છ મીટર લાંબા મેગ્નેટોમીટર બૂમને સફળતાપૂર્વક તહેનાત અને સક્રિય કરી દીધું છે. આદિત્ય સોલર પ્રોબને 11મી જાન્યુઆરીએ એલ 1 પોઈન્ટ પર તહેનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મેગ્નેટોમીટર 132 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું.
મેગ્નેટોમીટર બૂમ શું છે?
આ બૂમની અંદર બે અત્યાધુનિક અને ફ્લક્સગેટ મેગ્નેટોમીટર સેન્સર છે. જે અવકાશમાં ગ્રહો વચ્ચેના ચુંબકીય બળો અને ક્ષેત્રોને ડિટેક્ટ કરે છે. આ સેન્સર અવકાશયાનથી ત્રણ મીટર અને છ મીટરના અંતરે તહેનાત કરવામાં આવ્યા છે. આ અંતર એટલા માટે રાખવામાં આવ્યું છે કે આદિત્યમાંથી નીકળતું ચુંબકીય બળ સેન્સર્સ પર અસર ન કરે. બે સેન્સરની જરૂર હતી જેથી મેગ્નેટિક ફીલ્ડ વિશે વધુ સચોટ માહિતી મેળવી શકાય. આ મેગ્નેટોમીટર બૂમ કાર્બન ફાઇબર રિઇનફોર્સ્ડ પોલિમર અને મેકેનિઝમ એલિમેન્ટ્સથી બનેલું છે.
મેગ્નેટોમીટર બૂમની અંદર પાંચ સેગમેન્ટ છે. જે તેને સરળતાથી વાળવા અને ફેલાવામાં મદદ કરે છે. તેની લૂપ મિકેનિઝમ કેવલારમાંથી બનાવવામાં આવી છે. જ્યારે આ મેગ્નેટોમીટર બૂમ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે તે બે ભાગમાં ફોલ્ડ કરવામાં આવ્યું હતું. જેથી કરીને આદિત્યના વજનને પણ સંતુલિત કરી શકાય. બૂમને તહેનાત કરવા માટે થર્મલ કટર રીલીઝ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે.
આ બંને મેગ્નેટોમીટરને તહેનાત કરવામાં નવ સેકન્ડનો સમય લાગ્યો. હાલમાં બંને યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. ઈસરોએ કહ્યું કે,'મેગ્નેટોમીટરના તમામ ડેટા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.'