ભારતનું ‘સૂર્યયાન’ 2 સપ્ટેમ્બરે લોન્ચ કરાશે, 127 દિવસમાં 15 લાખ કિમીની યાત્રા પૂર્ણ કરશે
આદિત્ય-એલ1 પ્રથમ સોલર મિશન : ભારતનું આ યાનને પાર્કિંગ સ્પેસ લૈરેંજિયન પોઈન્ટ પર તૈનાત કરાશે
તૈનાત થયા બાદ આદિત્ય-એલ1 સૂર્યનો અભ્યાસ કરશે, પણ તે સૂર્ય નજીક નહીં જાય : અત્યાર સુધીમાં 22 સૂર્ય મિશન મોકલાયા
નવી દિલ્હી, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર
ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ ઈસરોના વૈજ્ઞાનિકોનું મનોબળ વધી ગયું છે અને હવે 2 સપ્ટેમ્બર-2023ના રોજ આદિત્ય-એલ1 મિશનને લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. શ્રીહરિકોટા સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચિંગ કરવામાં આવશે. અમદાવાદમાં ઈસરોના સ્પેસ એપ્લીકેશનના ડાયરેક્ટર નીલેશ એમ.દેસાઈએ કહ્યું કે, આદિત્ય-એલ1 તૈયાર છે... લોન્ચ માટે રેડી છે...
આદિત્ય-એલ1 ભારતનું પ્રથમ સોલર મિશન
નીલેશે કહ્યું કે, ‘આદિત્ય-એલ1’ 127 દિવસમાં 15 લાખ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે. આ મિશનને સતીશ ધવન સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. ત્યાંથી તેને રોકેટમાં ફીટ કરવામાં આવશે. લોકો આદિત્ય-એલ1ને સૂર્યયાન પણ કહે છે. આદિત્ય-એલ1 ભારતનું પ્રથમ સોલર મિશન છે. આ મિશન સંબંધિત સૌથી મહત્વપૂર્ણ વિજિબલ એમિશન કોરોગ્રાફ (VELC) છે, જેને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ એસ્ટ્રોફિજિક્સે બનાવ્યો છે. સૂર્યયાનમાં 7 પેલોડ્સ છે, જેમાંથી 6 પેલોડ્સ ઈસરો અને અન્ય સંસ્થાઓએ બનાવ્યા છે.
આદિત્ય-એલ1 સ્પેસક્રાફટને ધરતી અને સૂર્યની વચ્ચે એલ1 ઓર્બિટમાં રાખવામાં આવશે. એટલે કે સૂરજ અને ધરતીના સિસ્ટમ વચ્ચેના વર્તમાન પ્રથમ લેરેંજિયન પોઈન્ટ... અહીં જ આદિત્ય-એલ1ને તૈનાત કરાશે. વાસ્તવમાં લૈરેંજિયન પોઈન્ટ અવકાશનો પાર્કિંગ સ્પેસ છે. અહીં ઘણા ઉપગ્રહો તૈનાત કરવામાં આવ્યા છે. ભારતનું સૂર્યયાન ધરતીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આ પોઈન્ટ પર તૈનાત કરાશે. આ જગ્યા પરથી સૂરજનો અભ્યાસ કરાશે, જોકે તે સૂર્યની નજીક નહીં જાય...
સૂર્યની એચડી ફોટો કેદ કરશે VELC
સૂર્યયાનમાં લગાવાયેલ VELC સૂરજની એચડી ફોટો કેદ કરશે. આ સ્પેસક્રાફ્ટને પીએસએલવી રોકેટથી લોન્ચ કરવામાં આવશે. વીઈએલસી પેલોડના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર રાઘવેન્દ્ર પ્રસાદે કહ્યું કે, આ પેલોટમાં લગાવાયેલ વૈજ્ઞાનિક કેમેરો સૂરજની હાઈ રેઝોલ્યુશન તસવીરો કેદ કરશે... ઉપરાંત સ્પેક્ટ્રોસ્કોપી અને પોલેરીમેટ્રી પણ કરશે...
અત્યાર સુધીમાં 22 સૂર્ય મિશન મોકલાયા
સૂરજ પર અત્યાર સુધીમાં અમેરિકા, જર્મની, યૂરોપિયન સ્પેસ એન્જન્સીએ કુલ 22 મિશન મોકલ્યા છે. માત્ર એક જ મિશન ફેલ થયું છે, જ્યારે એકને આંશિક સફળતા મળી છે. નાસાએ પ્રથમ સૂર્ય મિશન પાયોનિયર-5 વર્ષ 1960માં મોકલ્યું હતું. જર્મનીએ નાસા સાથે મળીને તેનું પ્રથમ સૂર્ય મિશન 1974માં મોકલ્યું હતું. યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ નાસા સાથે મળીને તેનું પ્રથમ મિશન 1994માં મોકલ્યું હતું. નાસાએ સૌથી વધુ સૂર્ય મિશન મોકલ્યા છે. નાસાએ કુલ 14 મિશન સૂર્ય પર મોકલ્યા છે, આમાંથી 12 મિશન સૂરજના ઓર્બિટર છે, એટલે કે તે સૂર્યની ચારેકોર ભ્રમણ કરે છે. નાસાનું પાર્કર સોલર પ્રોબે સૂર્યની આસપાસથી 26 વખત ઉડ્ડયન કર્યું છે.