સમુદ્રમાં ગરકાવ રામ સેતુનો પહેલીવાર નકશો તૈયાર કરાયો, ઈસરોના વિજ્ઞાનીઓની કમાલ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Ram Setu

  

ISRO scientists create the first undersea map of Ram Setu: હિંદુ મહાકાવ્ય ‘રામાયણ’માં લખ્યું છે કે માતા સીતાની ખોજ માટે નીકળેલી શ્રીરામની વાનરસેનાએ સાગરપાર સ્થિત રાવણની લંકા પહોંચવા માટે દરિયામાં રામ સેતુ બનાવ્યો હતો. એક એવો સેતુ, જેના અસ્તિત્વ વિશે વર્ષોથી મતમતાંતર પ્રવર્તતા રહ્યા છે. હવે જ્યારે ઈસરોના વિજ્ઞાનીઓએ રામ સેતુનો પહેલો અન્ડર-સી (દરિયાની અંદરનો) નકશો બનાવ્યો છે ત્યારે રામાયણની એ પુરાણકથા ફરી ચર્ચામાં આવી છે. ચાલો જાણીએ કે કઈ રીતે વિજ્ઞાનીઓએ આ અઘરું કામ પાર પાડ્યું.

કેવો છે રામ સેતુનો નકશો?

ઈસરોના વિજ્ઞાનીઓ દ્વારા બનાવાયેલો રામ સેતુનો નકશો 29 કિલોમીટર લાંબો પથ્થરનો જળમગ્ન પુલ દર્શાવે છે જેની સમુદ્રના તળિયાથી ઊંચાઈ 8 મીટરની છે. એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખાતો રામ સેતુ ચૂનાના પથ્થરો વડે બનેલો પુલ છે, એનો અમુક ભાગ પાણીની સપાટી ઉપર પણ દેખાય છે. પુલ ઉપર કોઈ વનસ્પતિનું અસ્તિત્વ નથી. 'સાયન્ટિફિક રિપોર્ટ્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસલેખમાં ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વિજ્ઞાનીઓએ આ નકશા વિશે વિગતવાર માહિતી આપી છે. રામ સેતુ ભારતના રામેશ્વરમ ટાપુ પર ધનુષકોડીના દક્ષિણ-પૂર્વ બિંદુથી શ્રીલંકાના મન્નાર ટાપુમાં તલાઈમન્નરના ઉત્તર-પશ્ચિમ છેડા સુધી ફેલાયેલો છે.

કઈ રીતે બનાવાયો છે નકશો?  

ISRO ના વિજ્ઞાનીઓએ અમેરિકન સેટેલાઇટમાંથી મેળવેલા ડેટાનો ઉપયોગ કરીને રામ સેતુનો પ્રથમ વિગતવાર અન્ડર-સી મેપ (દરિયાસપાટી નીચેનો નકશો) બનાવ્યો છે. નાસાના સેટેલાઇટ ICESat-2ના ‘પાણીમાં પ્રવેશી શકે એવા ફોટોન’નો ઉપયોગ કરીને આ નકશો બનાવવામાં આવ્યો છે. આ ઉપગ્રહ લેસર ઓલ્ટિમીટરથી સજ્જ છે જેમાંથી છોડાયેલા ફોટોન કણો પૃથ્વી પરના છીછરા જળાશયની સપાટી નીચે જઈને જળાશયને તળિયે શું છે એ ‘દેખાડી’ આપે છે. વિજ્ઞાનીઓએ આકાર, ઢોળાવ અને વોલ્યુમેટ્રિક વિશ્લેષણ સહિત 3D પરિમાણો દ્વારા આ નકશો તૈયાર કર્યો છે. નકશો બનાવવા માટે ઓક્ટોબર 2018 થી લઈને ઓક્ટોબર 2023 એમ 6 વર્ષ સુધી ભેગા કરાયેલા ડેટાનો ઉપયોગ કરાયો હતો.

એડમ્સ બ્રિજ વિશે થોડી વધુ વિગતો

જોધપુર અને હૈદરાબાદ ખાતે આવેલા NRSC (National Remote Sensing Centre)ના સંશોધકોએ એડમ્સ બ્રિજની NASAના સેટેલાઇટ દ્વારા મેળવાયેલી તસવીરોનું વિશ્લેષણ કરીને જાહેર કર્યું કે બ્રિજનો 99.98 ટકા ભાગ દરિયાના પાણીમાં ડૂબેલો છે, જેના કારણે જહાજોથી એ વિસ્તારનો સર્વે શક્ય નથી. આ અભિયાનમાં પુલની નીચે બનેલી 2-3 મીટરની ઊંડાઈ ધરાવતી 11 સાંકડી ચેનલો પણ જડી આવી છે, જેના કારણે મન્નારની ખાડી અને પાલ્ક સ્ટ્રેટ વચ્ચે પાણીના પ્રવાહ સરળતાથી વહેતા રહે છે.

શું કહે છે ભૂસ્તરશાસ્ત્રીય પુરાવા?

ભૂસ્તરશાસ્ત્રીય પુરાવા સૂચવે છે કે ભારત અને શ્રીલંકા બંને પ્રાચીન મહાખંડ ‘ગોંડવાના’નો ભાગ હતા. કરોડો વર્ષો અગાઉ ટિથિસ સમુદ્રમાં તરતા-તરતા ગોંદવાના મહાખંડ લૌરેશિયા નામના મહાખંડ સાથે ટકરાયો હતો, જેને પરિણામે હિમાલયનું સર્જન થયું હતું. રામેશ્વરમમાં મંદિરના શિલાલેખો દર્શાવે છે કે વર્ષ 1480 સુધી તો રામ સેતુ પાણીની સપાટી બહાર ડોકાતો હતો, એ પછી એક ભયાનક દરિયાઈ તોફાનમાં તે ડૂબી ગયો હતો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે હિમનદીઓના પીગળવાથી દરિયાઈ સપાટીમાં વધ-ઘટ થઈ રહી છે ત્યારે આગામી સમયમાં રામ સેતુ ફરી જળસપાટી ઉપર આવી જાય એવું બની શકે છે.

શું ફાયદો થશે આ નકશાથી?

આ નકશાને કારણે રામ સેતુના અસ્તિત્વ બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને ઉકેલવામાં મદદ મળી શકે છે. રામ ક્યારેક થઈ ગયા હતા, એ વાતને જ નકારતા લોકોએ પણ હવે કદાચ રામ સેતુની હાજરી જોઈને રામના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડે.


Google NewsGoogle News