ISRO મિશન પ્રોબા-03નું ઐતિહાસિક લૉન્ચિંગ કરશે, જાણો શું છે આ મિશનનો હેતુ
ISRO Mission Proba-3 Spacecraft : ચોથી ડિસેમ્બર-2024ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યાને 8 મિનિટે યુરોપિયન સ્પેસ એજન્સી(ESA)ના ઉપગ્રહ પ્રોબા-03 (Proba-03)ને લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) ના PSLV-XL રોકેટથી કરવામાં આવશે. આ મિશનના ઉદ્દેશ્ય છેઃ સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવો, અને એકસાથે અનેક ઉપગ્રહો લોન્ચ કરવાની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરવું.
પ્રોબા-3 સૂર્યની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરશે
સૂર્યની આસપાસ ખૂબ જ ઝાંખું પરંતુ ખૂબ મોટું સ્તર છે, જે નરી આંખે જોવાનું શક્ય નથી. પ્રોબા-03 પૃથ્વીની આસપાસ 600 X 60,500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષામાં ફરશે અને સૂર્યની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરીને એ સ્તરને સમજવામાં મદદ કરશે.
મુશ્કેલ સંશોધન કરશે પ્રોબા-3
સૂર્યની સપાટી પાસે બે પ્રકારના કોરોના હોય છેઃ હાઇ કોરોના અને લો કોરોના... બંનેનો અભ્યાસ અનેક ઉપગ્રહો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ, એ બે કોરોના વચ્ચે જે ગેપ (જગ્યા) છે, એનો અભ્યાસ કરવો મુશ્કેલ છે. પ્રોબા-03 એ કામ કરશે. આ ઉપગ્રહમાં સ્થાપિત ASPICS ઇન્સ્ટ્રુમેન્ટને કારણે એ ગેપનો અભ્યાસ સરળ બનશે.
આ નવા પ્રોજેક્ટથી વૈજ્ઞાનિકોને થશે ફાયદો
આ ઉપરાંત પ્રોબા-03 સૌર પવનો અને કોરોનલ માસ ઇજેક્શનનો પણ અભ્યાસ કરશે. પ્રોબા-03ના કારણે વૈજ્ઞાનિકો અવકાશના હવામાનનો અભ્યાસ પણ કરી શકશે, જેથી આપણી પૃથ્વી પર તેની શું અસર થાય છે, એ જાણવા મળશે. આ ઉપગ્રહના બે ભાગ છે. પહેલું છે ઓક્યુલેટર અને બીજું છે કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ. બંને અલગ-અલગ પ્રકારનું કામ કરશે, પણ એ કામ એકમેક સાથે સંકળાયેલા હશે.
આ પણ વાંચો : વિજ્ઞાનીઓએ ઈતિહાસ રચ્યો ! મંગળ ગ્રહની સપાટી પર શોધ્યો પાણીનો ભંડાર