સેટેલાઇટ લોન્ચ કરવા મુદ્દે ISROના પ્રમુખ એસ. સોમનાથે ભારતના મિત્ર દેશોને કરી આ અપીલ!

ISRO 2026 સુધીમાં G20 સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
સેટેલાઇટ લોન્ચ કરવા મુદ્દે ISROના પ્રમુખ એસ. સોમનાથે ભારતના મિત્ર દેશોને કરી આ અપીલ! 1 - image


ISRO G20 Satellite: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન  (ISRO) આગામી બે વર્ષમાં વિશ્વને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. ISRO 2026 સુધીમાં G20 સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સેટેલાઇટ વાયુ પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ઉત્સર્જન જેવા ક્ષેત્રોમાં ડેટા ઉપલબ્ધ કરશે. ISRO પ્રમુખ એસ. સોમનાથે G20 દેશોને આ સેટેલાઇટમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે.

G20 સેટેલાઇટ આગામી બે વર્ષમાં લોન્ચ કરવામાં આવશે

ISROના પ્રમુખ એસ. સોમનાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મુંબઈના વાર્ષિક વિજ્ઞાન અને તકનીકી ઉત્સવ ટેકફેસ્ટમાં જણાવ્યું હતું. જણાવ્યું હતું કે, ભારતે G20 દેશોને તેના પ્રસ્તાવિત G20 સેટેલાઇટમાં પેલોડ, ઉપકરણોના માધ્યમથી યોગદાન આપવા કહ્યું છે જે આગામી બે વર્ષમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હવામાન અને આબોહવા મહત્ત્વના પાસાઓ બનવા જઈ રહ્યા છે અને ભારત વાયુ પ્રદૂષણ, ગ્રીનહાઉસ ઉત્સર્જન, ભેજમાં ફેરફાર અને વરસાદ, સમુદ્રની વર્તણૂક, પ્રવાહો, તરંગો, જમીનની ભેજ અને વિકિરણ જેવા વિવિધ પરિમાણોને માપીને આ ક્ષેત્રમાં યોગદાન આપવા માગે છે.

બે વર્ષની અંદર આ સેટેલાઇટ લોન્ચ કરાવામાં આવશે

એસ. સોમનાથે જણાવ્યું હતુ કે, અમે બે વર્ષમાં સેટેલાઇટ લોન્ચ કરીશું. આ સમગ્ર વિશ્વમાં ભારતનું યોગદાન હશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં પર્યાવરણ અને આબોહવા અવલોકન માટે G20 સેટેલાઇટ લોન્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સમગ્ર વિશ્વ માટે ડેટા ઉપલબ્ધ થશે

એસ. સોમનાથે જણાવ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ડેટા સમગ્ર વિશ્વ અને દરેક દેશ માટે ઉપલબ્ધ હોય જેથી તેઓ તેનો ઉપયોગ તેમના ક્લાઈમેટ મોડલ અને વૈજ્ઞાનિક સંશોધન માટે કરી શકે. અમે વિશ્વ માટે ઉપગ્રહ બનાવવા માટે વિશ્વના દરેક વૈજ્ઞાનિક સમુદાયનું સ્વાગત કરીએ છીએ.


Google NewsGoogle News